હિડનબર્ગ કેસમાં એસઆઈટી નિમવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
- કાનૂની જંગમાં અદાણી ગ્રુપનો વિજય
- હીડનબર્ગ સામે તપાસ કરવાનો પણ આદેશ
અદાણી ગ્રુપ દ્વારા એકાઉન્ટિંગ ફ્રોડ અને સ્ટોક મેનીપ પ્યુલેશન કરવાના અમેરિકા સ્થિત હીડનબર્ગ રિસર્ચ દ્વારા થયેલા આક્ષેપો ની તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવાનો સર્વોચ્ચ અદાલતે ઇનકાર કરી દીધો હતો. અત્યંત વિવાદ જ આ કેસમાં સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાને કારણે અદાણી ગ્રુપનો કાનૂની જંગમાં વિજય થયો હતો. હીડનબર્ગના અહેવાલો અંગે સેબી દ્વારા કરવામાં આવેલી તપાસના તારણ સામે શંકા ઉઠાવી એડવોકેટ એમ એલ શર્મા વિશાલ તિવારી, એક્ટિવિસ્ટ અનામિકા જયસ્વાલ તથા કોંગ્રેસી નેતા જયા ઠાકુરે સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવાની માગણી કરી હતી. તેની સુનાવણી પૂરી થયા બાદ અદાલતે 23મી નવેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે અંતિમ ચુકાદો આપી અરજદારોની માંગણી ફગાવી દીધી હતી.અદાલતે માર્કેટ શોર્તિંગમાં હીડનબર્ગ જૂથે પ્રસ્થાપિત કાયદાની જોગવાઈઓનું પાલન કર્યું હતું કે કેમ તેની તપાસ કરવા માટે પણ સરકાર અને સેબીને આદેશ આપ્યો હતો.
ચીફ જસ્ટીસ ડિવાઈ ચંદ્રચૂડ,જસ્ટિસ , જે.બી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે ચુકાદો આપતા જણાવ્યું કે જ્યોર્જ સોરોપના નેતૃત્વવાળા OCCRP ના રિપોર્ટના આધારે હીડનબર્ગ કેસમાં સેબી ની તપાસ સામે શંકા ન કરી શકાય. નોંધનીય છે કે હીડનબર્ગ દ્વારા અદાણી ગ્રુપ સામે કરવામાં આવેલ 24 માંથી 22 આક્ષેપો ની તપાસ સેબીએ પૂર્ણ કરી હતી અને તેમાં અદાણી જૂથ ને ક્લિન ચીટ આપવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે બાકી રહી ગયેલા બે કેસ અંગેની તપાસ ત્રણ મહિનામાં કરવાનો સેબીને આદેશ કર્યો હતો.
સર્વોચ્ચ અદાલતે ચુકાદામાં જણાવ્યું કે અખબારી સમાચારો કે ત્રાહિત પક્ષના દાવાને અંતિમ પરિણામલક્ષી પુરાવા ન માની શકાય અને તેના પરથી સેબી સામે સવાલ ન થઈ શકે. એસઆઇટીના ગઠનનો ઇનકાર કરતા અદાલતે જણાવ્યું કે તપાસ ટ્રાન્સફર કરવાની સત્તા નો ઉપયોગ અસાધારણ સંજોગોમાં જ થવું જોઈએ. એવું કરવા માટેના યોગ્ય કારણો ન હોય ત્યારે એ સત્તાનો ઉપયોગ ન કરી શકાય. અત્રે એ યાદ કરવું જરૂરી છે કે હિડનબર્ગ ના અહેવાલ બાદ અદાણી જૂથની અનેક કંપનીઓના શેરમાં જંગી ઘટાડો થયો હતો.
અદાલતની ટિપ્પણી
કેસની સુનાવણી ચાલુ હતી ત્યારે પણ સર્વોચ્ય અદાલતે અરજદારોને તીખા સવાલ કર્યા હતા. ચીફ જસ્ટીસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે સેબી સામે શંકા કરવા માટે પુરાવા ક્યાં છે? અખબારી અહેવાલોના આધારે સેબી સામે કેવી રીતે શંકા કરી શકાય તેવો સવાલ તેમણે કર્યો હતો.
સર્વોચ્ચ અદાલતની સમિતિએ પણક્લીન ચીટ આપી હતી
સુપ્રીમ કોર્ટે રોકાણકારોના હિતોની રક્ષા માટેના નિયમનકારી મિકેનિઝમ ની તપાસ કરવા માટેની નીમેલી કમિટીએ પણ અદાણી ગ્રુપને ક્લિનચીટ આપી હતી અને અને સેબી દ્વારા બજાર નિયમનમાં કોઈ ચૂક ન રહી હોવાની તથા અદાણી ગ્રુપ દ્વારા શેરની કિંમતમાં કોઈ હેરાફેરી ન કરી હોવાનો રિપોર્ટ આપ્યો હતો.
સત્યમેવ જયતે: ગૌતમ અદાણી
અદાણી જૂથ ના વડા ગૌતમ અદાણીએ કહ્યું કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાએ જાહેર કર્યું છે કે સત્યનો વિજય થયો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, સત્યમેવ જયતે. તેમણે આ ઘટનાક્રમ દરમિયાન અદાણી જૂથની સાથે રહેલા બધા લોકોનો આભાર માન્યો હતો અને ભારતની વિકાસયાત્રામાં અદાણી જૂથનું પ્રદાન અવિરત ચાલુ રહેશે તેવી ખાતરી આપી હતી.
