દીલ્હીમાં પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટ ખફા, કહ્યું; બધુ કાગળ પર જ થઈ રહ્યું છે
વાસ્તવમાં શું પગલાં લીધા ? દીલ્હી સહિત 5 રાજ્યોને સવાલ, તંત્રની કરી ટીકા
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણની સ્થિતિ દિવસે દિવસે ગંભીર બની રહી છે અને લોકો ભારે મુશ્કેલીમાં છે ત્યારે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા આકરી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે બધું માત્ર કાગળ પર જ થઈ રહ્યું છે જમીનની વાસ્તવિક્તા કંઈક બીજી જ છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે દિલ્હી અને પંજાબ સહિત પાંચ રાજ્યોને પૂછ્યું હતું કે પ્રદૂષણને રોકવા માટે શું પગલાં લીધાં છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ વધી રહ્યું હોવા છતાં પણ પંજાબમાં મોટી સંખ્યામાં પરાલ સળગાવવામાં આવે છે. આ ઉપરાંત કોર્ટે દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનને સાત દિવસની અંદર એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પાંચ રાજ્યોના મુખ્ય સચિવોએ સાત દિવસમાં જ એફિડેવિટ ફાઇલ કરવાની રહેશે. સુનાવણી દરમિયાન એર ક્વોલિટી મેનેજમેન્ટ ઓથોરિટીએ એફિડેવિટ આપીને કહ્યું કે પ્રદૂષણને રોકવા પૂરતા પગલા લેવામાં આવ્યા છે જો કે સુપ્રીમ કોર્ટ ઓથોરિટીના આ રિપોર્ટથી સંતુષ્ટ ન હતી. કોર્ટે કહ્યું કે પ્રદૂષણની સમસ્યા દર વર્ષે આપણી સામે આવે છે પરંતુ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)માં કોઈ ફોરફાર જોવા મળતો નથી.