કોલકત્તા દુષ્કર્મ કેસ મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યસરકારની ઝાટકણી કાઢી : જાણો કોર્ટરૂમમાં શું દલીલ કરવામાં આવી ?
કોલકતામાં મહિલા તબીબ પરના દુષ્કર્મ અને હત્યાના કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલત પશ્ચિમ બંગાળ સરકાર ઉપર રીતસર તૂટી પડી હતી. અદાલતે તો ત્યાં સુધી કહ્યું કે આ ગંભીર ગુનાની જાણ વહેલી સવારે થઈ ગઈ હતી પણ એવું લાગે છે કે કોલેજના પ્રિન્સિપાલ એ ઘટનાને આપઘાત તરીકે ખપાવવા કોશિશ કરતા હતા. થોડી કલાકો માટે મૃતકના પરિવારજનોને મૃતદેહ પણ જોવા નહોતો દેવાયો એવી ગંભીર ટિપ્પણી અદાલતે કરી હતી. જો કે રાજ્ય સરકાર વતી દલીલ કરતા સિનિયર એડવોકેટ કપિલ સિબલે એ માહિતી ખોટી હોવાનું જણાવી અને રેકોર્ડ પરની માહિતી અદાલતને સુપ્રત કરવાની ખાતરી આપી હતી. સર્વોચ્ચ અદાલતે એવો પણ પ્રશ્ન કર્યો કે હોસ્પિટલમાં તોડફોડની ઘટનાને પોલીસ અટકાવી તેમ ન શકી?
કેસની ગંભીરતા પર ભાર મૂકતા સુપ્રીમ કોર્ટે કહ્યું, “અમે એવા કેસ સાથે વ્યવહાર કરી રહ્યા છીએ કે જેમાં મહિલા તબીબ સાથે માત્ર એક જાતીય વિકૃત વ્યક્તિ દ્વારા બળાત્કાર જ નથી કરવામાં આવ્યો,તેમની સાથે પાશવી વ્યવહાર કરવામાં આવ્યો હતો..અદાલતે આ ઘટનાને રાજકીય મુદ્દા ન બનાવવા અપીલ કરી હતી.
કોર્ટ રૂમમાં રસપ્રદ દલીલો
ચીફ જસ્ટિસ: પ્રિન્સિપાલ રજા પર છે કે સસ્પેન્ડ છે?
સિબ્બલ: હાઇકોર્ટની સુચના મુજબ રજા પર છે. એસઆઇટીની નિમણૂક પણ કરવામાં આવી છે.
સીબ્બલ: સોશિયલ મીડિયા પર ખોટી માહિતીઓ ફેલાવવામાં આવે છે
ચીફ જસ્ટિસ: પણ એફઆઇઆર નોંધવામાં વિલંબ થયો છે. હોસ્પિટલમાં તોડફોડ કરનાર લોકો પકડાય તે રાજ્ય સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ
સિબ્બલ: 37 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 50 એફઆઈઆર પણ નોંધાઇ છે
ચીફ જસ્ટિસ: 50 એફઆઈઆર? આ તો તપાસ ન કરવાની તૈયારી.
ચીફ જસ્ટિસ:અમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બતાવો
સિબ્બલ: બધું સીબીઆઈ ને સોંપી દેવાયું છે. કેસ ડાયરી પણ સીબીઆઇ પાસે છે.
જસ્ટિસ પારડીવાલા: સૌથી પહેલી ફરિયાદ કોણે નોંધાવી? એફઆઇઆર નો સમય શું છે?
સીબ્બલ: પ્રથમ ફરિયાદ પીડીતાના પિતાએ રાત્રે 11. 45 વાગ્યે નોંધાવી. બાદમાં હોસ્પિટલના વાઈસ પ્રિન્સિપાલે પણ ફરિયાદ નોંધાવી
ચીફ જસ્ટિસ: પીડિતાનો મૃતદેહ કેટલા વાગ્યે અગ્નિસંસ્કાર માટે સોંપવામાં આવ્યો?
સિબ્બલ: રાત્રે 8:30 વાગ્યે અને તેના ત્રણ કલાક પછી ફરિયાદ નોંધાઇ.
ચીફ જસ્ટિસ: તમે પ્રિન્સિપાલ સાથે શું કરવા માંગો છો?
સિબ્બલ: અદાલત ઈચ્છે તે.
ચીફ જસ્ટિસ: શાંતપ્રદર્શનકારીઓ અને પ્રસાર માધ્યમો સાથે અને સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવતા લોકો સામે રાજ્ય સરકાર બળ પ્રયોગ ન કરે.
સિબ્બલ: પણ સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવામાં આવે છે અને એવા કેસમાં 37 ફરિયાદ નોંધાઇ છે.
હોસ્પિટલો અને તબીબોની હાલત અંગે સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે હાલનો કાયદો ડોક્ટરો અને મેડિકલ વર્કર્સને પૂરતી સુરક્ષા આપતો નથી. ઇન્ટરન, રેસીડેન્ટ ડોક્ટર અને વરિશ ડોક્ટર પાસે 36 36 કલાક કામ લેવામાં આવે છે. તેમના માટે આરામ કરવાની જગ્યા નથી. મૂળભૂત સ્વચ્છતા નો પણ અભાવ છે. હોસ્પિટલોમાં સુરક્ષા વ્યવસ્થા નો અભાવ છે. પુરુષો અને મહિલાઓ માટે અલગ ડ્યુટી રૂમ નથી. હોસ્પિટલોમાં ટોયલેટ ની પર્યાપ્ત સુવિધા નો પણ અભાવ છે. તબીબોના રહેણાકો હોસ્પિટલથી દૂર હોય છે અને પૂરતી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા નથી હોતી. હોસ્પિટલોમાં તમામ વિસ્તારોને આવરી લેતા સીસીટીવી કેમેરાનું નેટવર્ક નથી હોતું અને દર્દીઓ તથા તેમના સગા વ્હાલાઓને હોસ્પિટલના દરેક વિસ્તારોમાં જવાની છૂટ હોય છે.
કેન્દ્ર સરકાર પાસે પણ જવાબ માંગ્યો રાજ્ય સરકારો પાસે વિગતો માંગી
સર્વોચ્ચ અદાલતે હોસ્પિટલોની સુરક્ષા વ્યવસ્થા અંગે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો છે. એન્ટ્રીગેટ પર ચેકિંગની વ્યવસ્થા, રેસ્ટ હાઉસ ની સુવિધા, હોસ્પિટલના સીસીટીવી કેમેરાઓની સંખ્યા, હોસ્પિટલની નજીકમાં પોલીસ ચોકીનું અસ્તિત્વ, સુરક્ષા કર્મીઓની સંખ્યા વગેરે અંગે એક મહિનામાં રિપોર્ટ આપવા કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે. એ જ રીતે દરેક રાજ્ય સરકારોને પણ દરેક હોસ્પિટલમાં રેસ્ટ રૂમની સંખ્યા, સુરક્ષા વ્યવસ્થા, સુરક્ષા કર્મચારીઓની સંખ્યા વગેરે અંગે એક મહિનામાં સર્વોચ્ચ અદાલતને જાણ કરવા આદેશ કર્યો છે.
નવ તબીબો સહિત 14 સભ્યોનો નેશનલ ટાસ્ક ફોર્સ
સર્વોચ્ચ અદાલત દ્વારા તબીબી વ્યવસાયિકો સામે લિંગ આધારિત તેમ જ કોઈ પણ પ્રકારની હિંસા અટકાવવા તેમ જ ઇન્ટર્ન, રેસિડેન્ટ ડોક્ટર તથા અન્ય મેડિકલ પ્રોફેશનલ ગરીમા પૂર્ણ અને સલામત રીતે ફરજ બજાવી શકે તેવી પરિસ્થિતિ સર્જવા એક રાષ્ટ્રીય પ્રોટોકોલ સૂચવવા માટે વિવિધ પૃષ્ઠ ભૂમિકા ધરાવતા દેશના ટોચના નવ તબીબો તેમજ ઉચ્ચ સરકારી અધિકારીઓની 14 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી હતી. આ સમિતિએ ત્રણ અઠવાડિયામાં વચગાળાનો રિપોર્ટ તેમજ બે મહિનામાં અંતિમ રિપોર્ટ આપવાનો રહેશે.આ ટાસ્ક ફોર્સમાં સર્જન એડમિરલ આરકે સરિયન,એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ગેસ્ટ્રોલોજીના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ડી નાગેશ્વર રેડ્ડી, એઈમ્સના ડાયરેક્ટર ડૉ એમ શ્રીવાસ, નિમ્હાન્સ, બેંગ્લોરના ડૉ. પ્રતિમા મૂર્તિ, ડૉ. ગોવર્ધન દત્ત પુરી, એઈમ્સ જોધપુર,
ડૉ. ગંગારામ હૉસ્પિટલના ડૉ. સોમિક્ર રાવત,પ્રોફેસર અનિતા સક્સેના, જેજે ગ્રુપ ઑફ હૉસ્પિટલોની પલ્લવી સાપલે અને ગુડગાંવની પારસ હૉસ્પિટલના ચેરપર્સન (ન્યુરોલોજી) પદ્મા શ્રીવાસ્તવ, ભારત સરકારના કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, આરોગ્ય સચિવ નેશનલ મેડિકલ કમિશનના અધ્યક્ષ અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામીનર્સના અધ્યક્ષનો સમાંવેશ કરાયો છે.