બંગાળ : શિક્ષક ભરતી ગોટાળા અંગે સીબીઆઇ તપાસના આદેશ પર સુપ્રીમ કોર્ટની રોક
બંગાળના શિક્ષક ભરતી ગોટાળા અંગે બંગાળના અધિકારીઓની ભૂમિકાની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાના કોલકત્તા હાઈકોર્ટના આદેશ પર સોમવારે સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી. મમતા સરકારે સુપ્રીમમાં આદેશ પડકાર્યો હતો.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેંચે સોમવારે પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુનાવણી કરી હતી. બેન્ચમાં જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા.
બંગાળ સરકારે કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો જેણે રાજ્ય સંચાલિત અને રાજ્ય સહાયિત શાળાઓમાં શાળા સેવા આયોગ (એસએસસી) દ્વારા કરવામાં આવેલી 25,753 શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની નિમણૂકોને અમાન્ય ઠેરવી હતી. બેંચ હવે આ મામલે 6 મેના રોજ સુનાવણી કરશે.