ધર્માંતરણ અંગેની અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશની ટિપ્પણી સુપ્રીમ કોર્ટે રદ કરી
જજે કહ્યું હતું,’ સામુહિક ધર્માંતરણને કારણે બહુમતીઓ લઘુમતીમાં આવી જશે ‘
ધર્માંતરણ અંગેના એક કેસમાં આરોપીની જામીન અરજી ફગાવી દેતી વેળાએ અલ્હાબાદ હાઇકોર્ટના જજે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે ચુકાદાના ડ્રાફ્ટમાંથી રદ કરવાનો આદેશ આપ્યો હતો અને આવી ટિપ્પણીઓ કરવાથી દૂર રહેવા ન્યાયાધીશોને અનુરોધ કર્યો હતો.
ઉતર પ્રદેશની એક વ્યક્તિ સામે લોકોને સાજા કરવાના નામે એકત્ર કરી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવતો હોવાનો ગુનો નોંધી ઉત્તર પ્રદેશના ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ કરેલી જામીન અરજીની સુનાવણી દરમિયાન અલાહાબાદ હાઇકોર્ટના જજ રોહિત રંજન અગ્રવાલ એ કહ્યું હતું કે આવી પ્રવૃત્તિ ચાલુ રહેશે તો બહુમતીઓ લઘુમતીમાં આવી જશે. તેમણે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.
તેની સામે આરોપીએ સર્વોચ્ચ અદાલતમાં કરેલી અરજી ની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે જામીન અરજીના તબક્કે અલ્હાબાદ હાઇકોર્ટના જજે કરેલી ટિપ્પણી અયોગ્ય હોવાનું જણાવ્યું હતું અને હવે બીજા કોઈ કેસમાં આવી ટિપ્પણી ન થાય તેનું ધ્યાન રાખવા આદેશ આપ્યો હતો.
ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલે એમ પણ કહ્યું હતું કે ભારતના બંધારણની કલમ 25 અંતરાત્માની સ્વતંત્રતા અને મુક્ત વ્યવસાય, આચરણ અને ધર્મના પ્રચાર”ની જોગવાઈ કરે છે, પરંતુ એક આસ્થામાંથી બીજા ધર્મમાં પરિવર્તનની જોગવાઈ કરતી નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે “પ્રચાર” શબ્દનો અર્થ પ્રચાર કરવો છે, પરંતુ તેનો અર્થ કોઈ પણ વ્યક્તિને તેના ધર્મમાંથી બીજા ધર્મમાં ફેરવવાનો નથી.” સર્વોચ્ચ અદાલતે તેમની આ ટિપ્પણી પણ દૂર કરવાનો આદેશ કર્યો હતો અને આરોપીની જામીન અરજી મંજૂર કરી હતી.