સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક : અમેરિકી ક્રિપ્ટોકરન્સી વિડીયો કરાયો અપલોડ
ટેક્નોલોજીના આ યુગમાં સર્વત્ર હેકર્સનો ખતરો મંડરાઈ રહ્યો છે. અનેક હેકિંગની ઘટનાઓ તો સામે આવવતી જ હોય છે ત્યારે આજે હેકર્સે સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક કરી લીધી છે. આ યુટ્યુબ ચેનલને હેક કર્યા બાદ હેકર્સે સુપ્રીમ કોર્ટ ઈન્ડિયાની જગ્યાએ રિપલ લખ્યું છે. તેમજ આ ચેનલ પર સુપ્રીમ કોર્ટના વીડિયોને બદલે ક્રિપ્ટોકરન્સીના વીડિયો બતાવવામાં આવી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટના યુટ્યુબ પર હેકર્સ દ્વારા કરવામાં આવેલો આ હુમલો એટલા માટે પણ ખાસ છે કારણ કે સુપ્રીમ કોર્ટ પાસે ઘણા મોટા કેસની સુનાવણી સાથે જોડાયેલા દસ્તાવેજો છે. આવી સ્થિતિમાં, જો હેકર્સ YouTube જેવી અન્ય SC સાઇટ્સ પર હુમલો કરે છે, તો તે દસ્તાવેજો લીક થવાનું જોખમ પણ વધી શકે છે. જો કે હજુ સુધી આવું કંઈ થયું નથી. અને આની શક્યતા પણ નહિવત્ છે. પરંતુ હેકર્સના વધતા જતા વ્યાપને ધ્યાનમાં રાખીને સમયસર સાવચેતી રાખવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ છેલ્લી સુનાવણીનો વિડિયો હેકર્સ દ્વારા ખાનગી બનાવવામાં આવ્યો હતો અને ‘બ્રાડ ગાર્લિંગહાઉસઃ રિપલ રિસ્પોન્ડ્સ ટુ ધ એસઈસીના $2 બિલિયન ફાઈન! ‘XRP પ્રાઇસ પ્રિડિક્શન’ નામનો ખાલી વિડિયો હાલમાં હેક થયેલી ચેનલ પર લાઇવ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમને ખાતરી નથી કે ખરેખર શું થયું. પરંતુ એવું લાગે છે કે વેબસાઇટ સાથે છેડછાડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે શુક્રવારે સવારે સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર સમસ્યા પ્રકાશમાં આવી હતી અને સુપ્રીમ કોર્ટની IT ટીમે તેને ઠીક કરવા માટે NIC (નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર) પાસેથી મદદ માંગી છે.
આ હુમલો ક્યાંથી થયો ?
હેકર્સે સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પર ક્યાંથી હુમલો કર્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. આની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. હાલમાં ઘણી તપાસ એજન્સીઓ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તપાસ બાદ જ ખબર પડશે કે આ હેકર્સે આ હુમલો ક્યાંથી કર્યો હતો.
2018માં સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પણ કરવામાં આવી હતી હેક
આ પહેલા 2018માં પણ હેકર્સે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ હેક કરી હતી. તે સમયે પણ હેકર્સે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ ક્યાંથી હેક કરી હતી તેની પુષ્ટિ થઈ શકી ન હતી.