દેશમાં ખાનગી હોસ્પિટલોની લૂંટ સામે સુપ્રીમ લાલઘૂમ
રેટ ફિક્સ કરવા કેન્દ્રને જણાવ્યું, નહિતર અમારે નિયમો ઘડવા પડશે
કેન્દ્ર જવાબદારીમાંથી છટકી શકે નહીં
સુપ્રીમકોર્ટે દેશની ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતા ભારે ચાર્જ સામે લાલ આંખ કરતા સરકારને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું. એક એનજીઓ દ્વારા આ બારામાં દાખલ થયેલી પીઆઈએલ પર સુનવણી દરમિયાન અદાલતે કેટલીક સૂચનાઓ કેન્દ્રને આપી હતી. અદાલતે કહ્યું હતું કે રેટ ફિક્સ થવા જોઈએ નહિતર અમારે નિયમો ઘડવા પડશે. સીજીએચએસવાળા નિયમો દાખલ કરવા પડશે.
નોંધનીય છે કે નિયમો હેઠળ, રાજ્યો સાથે કાઉન્સેલિગ કર્યા પછી મેટ્રોપોલિટન શહેરો, શહેરો અને નગરોમાં રોગોની સારવાર અને ઉપચાર માટે માનક દરોની સૂચના જારી કરવી ફરજિયાત છે. સરકારે સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતં કે સરકારે આ મુદ્દે રાજ્યોને ઘણી વખત પત્ર લખ્યો છે, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી.' આ મામલે કોર્ટે કહ્યું કે
નાગરિકોને પોતાના સ્વાસ્થ્ય સંભાળવાનો મૂળભૂત અધિકાર છે અને કેન્દ્ર તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં.’ આ ઉપરાંત કોર્ટે કેન્દ્રીય આરોગ્ય સચિવને રાજ્યના આરોગ્ય સચિવો સાથે એક મહિનાની અંદર બેઠક કરીને માનક દરોની સૂચના જારી કરવા માટે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે ચેતવણી આપતા કહ્યું હતું કે, `જો કેન્દ્ર સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જશે તો અમે સમગ્ર દેશમાં દર્દીઓની સારવાર માટે CGHS નિયત સરકારી દરો લાદવાની અરજદારની અરજી પર વિચાર કરીશું.’ ઉલ્લેખનીય છે કે દરેક નાગરિક માટે આરોગ્યની સંભાળ એ સૌથી મહત્વપૂર્ણ પાસું છે પરંતુ ખાનગી હોસ્પિટલો મનસ્વી રીતે ફી વસૂલી રહી છે, જેના કારણે દર્દીઓને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.