સમર ઈફેક્ટ : અમદાવાદથી વિમાની ભાડા આસમાને પહોંચ્યા
એક માત્ર ગોવાની ફ્લાઈટના ભાડા કાબુમાં : દહેરાદુન, બાગડોગરા જેવા સ્થળો તરફ ધસારો હોવાથી ભાડામાં તોતિંગ વધારો : લોકો કાશ્મીરને બદલે ગંગટોક, જીમ કોર્બેટ,મુન્નાર, કુર્ગ, મસૂરી અને દાર્જિલિંગ જેવા સ્થળો તરફ વળ્યા
કાળઝાળ ગરમી અને વેકેશનના સમયને લીધે અમદાવાથી જુદા જુદા ફરવા જવા માટે ફ્લાઈટના ભાડા આસમાને આંબી રહ્યા છે. જુદા જુદા સ્થળે જવા માટેની ટીકીટમાં પાંચ ટકાથી લઈને ૧૩૪ ટકા જેટલો વધારો થઇ ગયો છે. કેટલાક સ્થળોએ બે અઠવાડિયા અગાઉથી બુક કરાવવાથી 100% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
18 મે અને 24 મે વચ્ચે મુસાફરી માટેના વર્તમાન ભાડાના આંકડા અનુસાર, 3 મેના રોજ કરવામાં આવેલા બુકિંગમાં 134% સુધીનો આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે, ઉત્તર-પૂર્વ અને દાર્જિલિંગ જેવા પહાડી શહેરોનો પ્રવેશદ્વાર, બાગડોગરા, 134% વધારા સાથે યાદીમાં ટોચ પર છે કારણ કે ભાડુ 14,000 રૂપિયાથી વધીને 32,780 રૂપિયા થઈ ગયુ છે.
તાજેતરના આતંકવાદી હુમલા છતાં, શ્રીનગરની રાઉન્ડ ટ્રીપનો ખર્ચ 13,000 રૂપિયાના નિયમિત ભાડાની સામે પ્રતિ વ્યક્તિ 23,750 રૂપિયા સુધીનો છે. ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રીનગરની ટિકિટનો ભાવ પ્રતિ વ્યક્તિ રૂ. ૪૨,૦૦૦ થઇ ગયો હતો પરંતુ તે ઘટી ગયો છે.
તેવી જ રીતે, મસૂરી અથવા ઋષિકેશ જનારાઓમાં સૌથી વધુ લોકપ્રિય દેહરાદૂનનું ભાડુ હવે રૂ. ૧૭,૪૧૫ થઈ ગયુ છે, જે રજા સિવાયના ભાડા રૂ. ૧૨,૦૦૦ કરતા ૪૫% વધારે છે.
દક્ષિણના પ્રવાસીઓ પણ આમાંથી બાકાત નથી. કોચીની ટિકિટ રૂ. ૧૩,૦૦૦ થી વધીને રૂ. ૧૮,૨૯૯ (૪૦.૮% વધારો) થઈ ગઈ છે, જ્યારે બેંગલુરુમાં ૪૧.૬% વધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ચંદીગઢ રૂટ પણ હવે રૂ. ૧૩,૧૯૦ માંગે છે – જે નિયમિત ભાડા કરતા ૩૧.૯% વધારે છે.
જે લોકો અગાઉ કાશ્મીરની યાત્રાઓનું આયોજન કરતા હતા તેઓ હવે ગંગટોક, જીમ કોર્બેટ જેવા સ્થળો તરફ વળી રહ્યા છે. આ સિવાય મુન્નાર, કુર્ગ, મસૂરી અને દાર્જિલિંગ જેવા સ્થાનિક સ્થળોની માંગમાં વધારો થયો છે. પરિણામે, આ પ્રદેશોમાં ફક્ત ફ્લાઇટ ભાડા જ નહીં પરંતુ હોટેલના ભાડામાં પણ 25-40%નો વધારો થયો છે. ગોવા માટેના ભાડામાં ફક્ત 5.7% વધીને રૂ. 7,000 થી રૂ. 7,400 થયા છે.
ચંડીગઢ 10,000-13,109
બેંગ્લોર-9000-12,746
દહેરાદુન-12,000-17,415
શ્રીનગર-14,000-23,744
બાગડોગરા-14,000-32,780
કોચી-13,000-18,299
ગોવા-7000-7400
