સ્કૂલ ઓફ સાયન્સમાં બનેલી ઘટના બાદ સી.વાય.એસ.એસ. અને એન.એસ.યુ.આઈ.નો ઉગ્ર વિરોધ:ડી.ઇ.ઓ.એ હલ્લાબોલ, કાર્યકરોની અટકાયત
સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થી સાથે રેગિંગ થયાની ઘટના બાદ વિદ્યાર્થી સંગઠનો સફાળા જાગ્યા છે, આ ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવી એન.એસ.યુ.આઇ. અને સીવાયએસએસના કાર્યકર્તાઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે હલ્લાબોલ સાથે ડી.ઇ.ઓ.ને બંગડી આપી તેમજ વિદ્યાર્થીઓએ પોતાના જાતને પટ્ટા મારીને આ બનાવમાં તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે પ્રબળ માંગ ઉઠાવી હતી.
રાજકોટ તેમજ ગુજરાતમાં અનેક શાળાઓમાં રેગિંગની ઘટનાઓ વધી રહી છે, બુધવારે ખંભાળામાં આવેલી સ્કૂલ ઓફ સાયન્સની હોસ્ટેલમાં છ જેટલા વિદ્યાર્થીઓએ તેના સાથી વિદ્યાર્થીનું રેંગીગ કરી અમાનવીય અત્યાચાર કર્યો હતો જેના લીધે આ વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.તેને શારીરિક સાથે માનસિક હાલત પણ અસર પહોંચી છે.
આ ઘટનાનો વિરોધ કરવા માટે છાત્ર યુવા સંઘર્ષ સમિતિનાં પ્રદેશ ઉપપ્રમુખ સૂરજ બગડા, રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવી તેમજ અને કાર્યકર્તાઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં આવી ઘટનાઓને રફેદફે કરવાના બદલે શાળાઓ અને હોસ્ટેલના સંચાલકો સામે પગલાં લઈ તેમની જવાબદારી ફિક્સ કરવામાં આવે તેવી માંગણી ઉઠાવી હતી.
વિદ્યાર્થીઓએ અનોખી રીતે વિરોધ નોંધાવતા પોતાની જાતને પટ્ટા મારી શિક્ષણ વિભાગની કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવી જિલ્લા શિક્ષણ અધિકારીને બંગડી આપી હંગામો મચાવતા પોલીસ બોલાવી પડી હતી. પોલીસે સૂરજ બગડા, પ્રમુખ પ્રણવ ગઢવી, કલાપી વારા, શુભમ જોષી, શીતલ ગોહેલ આર્યન સાવલિયા, પ્રકાશ ચાવડા, વિનુ પીપળીયા કૈલાશ જાગાણી,સ્મિત સુરેલીયા સહિત 10 થી વધુ કાર્યકરોની અટક કરી હતી.
ગુજરાતના શિક્ષણ જગતને શરમજનક કરે તેવી રેગિંગ ઘટનાઓ:પ્રમુખ નરેન્દ્ર સોલંકી
એન. એસ. યુ.આઈ ના નરેન્દ્ર સોલંકીએ ડી.ઇ.ઓ.ને આવેદન પાઠવીને આ ઘટનાને વખોડતાં કહ્યું હતું કે, રાજકોટમાં થોડા સમયથી રેગિંગની ઘટનાઓ વધી રહી છે,જે ગુજરાતના શિક્ષણ જગતને લાંછન લગાવી રહી છે. ખાનગી સ્કૂલના સંચાલકોને માત્રને માત્ર ફી જ રસ હોય છે. મેનેજમેન્ટ દ્વારા સ્કૂલ અને હોસ્ટેલમાં કાળજી રાખવી જોઈએ જેથી કરીને આવી ઘટનાઓને અટકાવી શકાય.