જમીનો દબાવવાનું બંધ કરો: મમતાએ પોતાના જ પ્રધાનોને ચેતવણી આપી
ભ્રષ્ટ પ્રધાનો અને ધારાસભ્યોને ખખડાવ્યા આગામી ચૂંટણીમાં ટિકિટ કાપવાની ચિમકી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાના જ બે મંત્રીઓ જમીન હડપ કરવાના કૃત્યમાં સામેલ હોવાનું જણાવતા ભારે ચકચાર મચી છે.રાજ્યના સચિવાલય ખાતે મળેલી બેઠકમાં તેમણે બે પ્રધાનો સામે નામજોગ આ આક્ષેપ કરતા બધા સ્તબ્ધ થઈ ગયા હતા.
મુખ્યમંત્રીએ રાજ્યના મંત્રી સુજિત પર કોલકાતાના રાજારહાટ અને સોલ્ટ લેક સેક્ટર ના વેબલ ભવનની સામે ગેરકાયદેસર રીતે બહારના લોકોને સ્થાયી કરવાનો અને અતિક્રમણને પ્રોત્સાહિત કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે હું સોલ્ટ લેક ની સ્થિતિ જોવું છું ત્યારે મને શરમ આવે છે. તેમણે કહ્યું કે એ આખો વિસ્તાર બહારના લોકો એ પચાવી પાડ્યો છે અને ગંદકીથી ઉભરાઈ રહ્યો છે.સુજીત બોઝ જ એ બધાને એ સ્થળે સ્થાયી કરતા હોવાનો તેમણે ખુલ્લો આક્ષેપ કર્યો હતો.
તેમણે બધા નેતાઓનો દાવ લીધો હતો. તેમણે કહ્યું કે ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટર અરૂપ રોય અને ધારાસભ્ય ગૌતમ ચૌધરી પણ આવી જ પ્રવૃત્તિમાં સામેલ છે અને પરિણામે ગારીયાહાટ વિસ્તારની પણ એવી જ સ્થિતિ છે. તેમણે બધા પ્રધાનો અને ધારાસભ્યોને આવી પ્રવૃત્તિથી દૂર રહેવા અને અન્યથા અગામી ચૂંટણીમાં ટિકિટ ન આપવાની ચીમકી આપી હતી.
માણસને જોઈએ કેટલું? મમતાએ સવાલ કર્યો
મમતાએ પૂછ્યું કે સારી રીતે જિંદગી જીવવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે? તમે બધા આધુનિક ગાડીઓ વાપરો છો,મોંઘાદાટ રેસ્ટોરન્ટમાં જાઓ છે.આ બધું ઠીક છે પણ સૌથી પહેલા લોકોનો વિચાર કરો. તેમણે કહ્યું કે આગામી ચૂંટણીમાં માત્ર ધારાસભ્યોએ કરેલી કામગીરીને નજરમાં રાખીને જ ટિકિટો આપવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં પણ બુલડોઝર ધણધણયું ટીએમસીની ઓફિસ પણ તોડી પડાઇ
મમતા બેનર્જીની ચેતવણી બાદ રાજ્યમાં રાજકીય પક્ષો અને સંગઠનોએ કરેલા ગેરકાયદે દબાણો સામે ઝુંબેશ શરૂ થઈ છે.કોલકતાના તારાતલા વિસ્તારમાં ભાજપની એક ઓફિસ ઉપર બુલડોઝર ફરી વળ્યુ હતું.કોલકતામાં ટીએમસીની ગેરકાયદે ઓફિસ કાર્યકરોએ જાતે તોડી નાખી હતી.જ્યારે આસનસોલમાં તળાવ ની જમીન ઉપર ખડકાઈ ગયેલી આર એસ એસ ની ઓફીસ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી.
