બંને દેશોના આયાત નિકાસ પર અસર શરૂ થઈ, નવા કરાર ભારતને નામંજૂર
ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ ચાલી રહ્યો છે જેની અસર હવે વેપાર પર પણ શરૂ થઈ ચૂકી છે અને ભારતમાં મસૂરની દાળના ભાવ વધી શકે છે કારણ કે કેનેડાથી નવો સ્ટોક આવશે નહીં. ટેન્શનની અસર બંને દેશોમાં નિકાસ-આયાત પર થવા લાગી છે. કેનેડા ભારતમાં સૌથી વધુ મસૂર દાળ નિકાસ કરે છે પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે કેનેડાથી મસૂરની આયાત માટે નવા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી.
વેપારીઓને ડર છે કે જે રીતે બંને દેશો વચ્ચે વિવાદ વધી રહ્યો છે તેવામાં કોઈપણ દેશ બદલો લેવાની ભાવનામાં વધારાનો કર લગાવી શકે છે. જો કે પહેલાથી જ હસ્તાક્ષર થયેલા કરાર હેઠળ જ દાળની જ ખરીદી ચાલુ છે. નાણાકીય વર્ષ 2022-23માં કેનેડા પાસેથી ભારતે સૌથી વધુ મસૂર દાળની ખરીદી કરી હતી. ભારતે આ સમયગાળા દરમિયાન કેનેડા પાસેથી કુલ 4.85 લાખ મેટ્રિક ટન મસૂર દાળની ખરીદી કરી હતી જે કુલ આયાતના અડધાથી વધુ છે. રિપોર્ટ મુજબ બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે દાળની આયાત માટે નવા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા નથી.
ભારતમાં મસૂર દાળનો મોટો હિસ્સો આયાત કરવામાં આવે છે જેમાં મોટાભાગની આયાત કેનેડામાંથી થાય છે. દેશમાં પહેલાથી જ દાળના ભાવ આસમાને પહોંચી ગયા છે અને ગયા મહિને કઠોળનો મોંઘવારી દર 13 ટકાથી વધુ હતો. હવે જો મસૂર દાળના પુરવઠામાં ઘટાડો થાય તો તેની કિંમતો વધી શકે છે. ભારતમાં દર વર્ષે 23 લાખ ટન દાળનો વપરાશ થાય છે જ્યારે તેની સામે માત્ર 16 લાખ ટન જ ઉત્પાદન થાય છે, જો કે ભારત અન્ય દેશો પાસેથી પણ દાળની આયાત કરે છે અને તેનાથી સૌથી વધારે ઓસ્ટ્રેલિયાને લાભ થયો છે.