મને ‘મામુ’ બનાવવાનું બંધ કરો ! RMC કમિશનર તુષાર સુમેરા વોર્ડ ઓફિસરો પર ભડકયા
- મહિને એક લાખ પગાર લેતાં વોર્ડ ઓફિસરો માત્ર એ.સી. ચેમ્બરમાં બેસી વેરા વસૂલાતમાં `વ્યસ્ત’ રહેતાં તેમને મુળ `કામગીરી’ પણ બતાવી
- સ્વચ્છતા સર્વેક્ષણ પૂર્ણ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોના ફિડબેક લેવામાં `દાંડાઈ’ કરનારા વોર્ડ ઓફિસરની `કારીગરી’ પણ ભરીમિટિંગમાં પકડી પાડી
રાજકોટને સ્વચ્છ, રળિયામણું, રહેવાલાયક બનાવવા માટે અધિકારીઓ-પદાધિકારીઓ આખો દિવસ પ્લાનિંગ કરી રહ્યા છે પરંતુ તેમની નીચેનો સ્ટાફ જાણે કે આ પ્લાનિંગ ઉપર પાણી ફેરવવા માટે જ મથી રહ્યો હોય જોઈએ તેવી કામગીરી જમીનસ્તરે જોવા મળતી નથી. પાછલા થોડા વર્ષથી રાજકોટ સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળને પાછળ ધકેલાઈ રહ્યું હોય આમ થવાનું મુળ કારણ પકડવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ બીડું ઝડપી લઈ આખરે ક્યાં કાચું કપાઈ રહ્યું છે તે શોધી કાઢવા એક બાદ એક બેઠક કરી રહ્યા છે. આવી જ એક બેઠક વોર્ડ ઓફિસરો સાથે કરવામાં આવી હતી જેમાં મ્યુનિ.કમિશનરે તાડુકીને વોર્ડ ઓફિસરોને કહેવું પડ્યું હતું કે `મને મામું બનાવવાનું બંધ કરી દેજો…’
હાલ રાજકોટમાં કેવી સ્વચ્છતા ચાલી રહી છે, વ્યવસ્થિત સફાઈ થઈ રહી છે કે નહીં, ક્યાં ક્યાં વધુ ગંદકી જોવા મળી રહી છે, ન્યુસન્સ પોઈન્ટની સ્થિતિ કેવી છે તે સહિતની બાબતે શહેરીજનોનો ફિડબેક મેળવવામાં આવી રહ્યો છે. લોકો પાસેથી ફિડબેક લેવાની જવાબદારી વોર્ડ ઓફિસર અને તેમના તાબા હેઠળ આવતાં કર્મચારીઓ પર રહે છે. શહેરમાં 18 વોર્ડ છે અને દરેક વોર્ડમાં એક-એક વોર્ડ ઓફિસર કાર્યરત રહે છે. દરમિયાન મ્યુનિસિપલ કમિશનરના ધ્યાન ઉપર આવ્યું કે સ્વચ્છતાના જે ફિડબેક તેમની પાસે આવી રહ્યા છે તેમાં `કારીગરી’ કરવામાં આવી રહી છે. આ મુદ્દો ધ્યાન પર આવતાં જ તેમણે પોતાની રીતે તપાસ કરાવી હતી જે બાદ કહેવાતી કામગીરીનો ભાંડો ફૂટી ગયો હતો.
મ્યુનિસિપલ કમિશનરે કરેલી તપાસમાં એવો ખુલાસો થયો હતો કે વોર્ડ ઓફિસરો જ જે તે સ્થળ પર જઈને લોકોને સ્વચ્છતા સારી હોવાના ફિડબેક તસવીર સાથે મોકલવાનું કહેતાં હતાં. આવું જ એક વોર્ડ ઓફિસરે મોલના મેનેજર સાથે કર્યું હોવાના વટાણા ખૂદ મેનેજરે જ વેરી દેતાં મ્યુ.કમિશનર પણ ક્રોધિત થયા હતા. આ પછી તમામ વોર્ડ ઓફિસરો સાથે બેઠક બોલાવાઈ હતી જેમાં સૌથી પહેલાં તમામ વોર્ડ ઓફિસરોના મોબાઈલ લઈ લેવામાં આવ્યા હતા. આ બેઠક ત્રણેક કલાક સુધી ચાલી હતી જેમાં વોર્ડ ઓફિસરની મુળ જવાબદારી, તેમણે શું શું કામગીરી કરવાની હોય છે તે સહિતના મુદ્દા ચર્ચાયા હતા. મ્યુ.કમિશનર દ્વારા વોર્ડ ઓફિસરને પૂછવામાં આવ્યું કે તેમણે શું શું કામગીરી કરવાની હોય છે તો એવો જવાબ આપવામાં આવ્યો કે ટેક્સ વસૂલાતની ! આ સાંભળી મ્યુ.કમિશનર પણ અવાચક બની ગયા હતા કેમ કે વોર્ડ ઓફિસરે ચેમ્બરમાં બેઠા બેઠા ટીમ પાસે માત્ર વેરા વસૂલાતની જ કામગીરી કરાવવાની નથી હોતી અને અન્ય કામગીરી પણ કરવાની હોય છે. આ પછી ફિડબેકનો મુદ્દો ચર્ચામાં આવ્યો ત્યારે મોલવાળી વાતને લઈને મ્યુ.કમિશનરે જ વોર્ડ ઓફિસરોને કહેવું પડ્યું હતું કે `મને ખબર છે કે ઘણોખરો સ્ટાફ મને મામું બનાવી રહ્યો છે જે બિલકુલ વ્યાજબી નથી.’
અત્યારે અઢાર વોર્ડમાં અઢાર વોર્ડ ઓફિસરો કાર્યરત છે અને પ્રતિ વોર્ડ ઓફિસર દીઠ મહાપાલિકા એક લાખનો પગાર મહિને ચૂકવે છે. આ રીતે જોવા જઈએ તો દર મહિને 18 લાખ રૂપિયાનો ખર્ચ વોર્ડ ઓફિસરો પાછળ જ થઈ રહ્યો છે.
અહો આશ્ચર્યમ્ઃ મિટિંગના બીજા જ દિવસે આવ્યા 5000 ફિડબેક
મ્યુનિસિપલ કમિશનરે વોર્ડ ઓફિસરોનો `ક્લાસ’ લીધાના બીજા જ દિવસે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત 4500થી 5000 ફિડબેક આવ્યા હતા. એકંદરે મ્યુ.કમિશનરના શબ્દોની વોર્ડ ઓફિસરો ઉપર સાચી અસર પડી હોય તે રીતે તમામ ગ્રાઉન્ડ ઉપર કામગીરી કરવા માટે ઉતરી પડ્યા હતા અને વાસ્તવિક રીતે ફિડબેક મેળવવાનું શરૂ કરતાં જ તેનું સારું પરિણામ પણ મળ્યું હતું. એકંદરે મ્યુ.કમિશનરની આ બેઠક ખરેખર ફળદાયી નિવડી હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા હતા.
જૂનો પરિપત્ર બતાવી મ્યુ.કમિશનરે કહ્યું, આટલી કામગીરી વોર્ડ ઓફિસરે કરવાની થાય છે
જ્યારે વોર્ડ ઓફિસરોએ મ્યુ.કમિશનરને એમ કહ્યું કે તેમણે માત્ર ટેક્સ વસૂલાતની જ કામગીરી કરવાની હોય છે ત્યારે મ્યુ.કમિશનરે અગાઉનો પરિપત્ર કાઢ્યો હતો અને બધાને બતાવતાં કહ્યું હતું કે માત્ર ટેક્સ કલેક્શન જ નહીં બલ્કે અન્ય કામગીરી જેવી કે વોર્ડમાં વ્યવસ્થિત સફાઈ થઈ રહી છે કે નહીં, પૂરતી સંખ્યામાં સફાઈ કામદારો આવી રહ્યા છે કે નહીં, ક્યાંય ગેરકાયદેસર બાંધકામ થયું હોય તો તેની જાણ ટાઉન પ્લાનિંગ શાખાને કરવા સહિતની અનેક કામગીરી વોર્ડ ઓફિસરના કાર્યક્ષેત્રમાં આવતી હોય તે પ્રમાણે જ કામગીરી કરવી પડશે. બાકી રહી વાત ટેક્સ કલેક્શનની તો એ કામગીરી કરવા વોર્ડ ઓફિસરો નહીં બલ્કે તેમની નીચેના કર્મચારીઓ કરવા જતાં હોય છે અને આ કામ તો કોઈ બીજા પાસે પણ કરાવી શકાશે તેના માટે મહિને એક લાખનો તોતિંગ પગાર ચૂકવવાની શું જરૂર ?
`રાજકોટ મારું છે’ તેમ માનીને કામ કરશો તો બધાનું ભલું થશે
મ્યુ.કમિશનર તુષાર સુમેરા ખાસ્સો સમય રાજકોટમાં રહી ચૂક્યા છે અને અહીંની ભૌગોલિક સ્થિતિથી વાકેફ પણ છે ત્યારે તેમણે બેઠકમાં તમામ વોર્ડ ઓફિસરોને નમ્રતાપૂર્વક કહ્યું હતું કે રાજકોટ મારું છે તેમ માનીને કામ કરશો તો શહેરીજનો અને મહાપાલિકા એમ બન્નેનું ભલું થશે એટલા માટે કાર્યક્ષેત્રમાં આવતી સઘળી જવાબદારી વોર્ડ ઓફિસરોએ ખંતપૂર્વક નીભાવવી જ જોઈએ.