છત્તીસગઢના મહાસમુન્દમાં શનિવારે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી હતી. બાગબાહરા રેલવે સ્ટેશન પર વંદેભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો જેમાં ટ્રેનના ત્રણ કોચના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. માહિતી મળ્યા બાદ રેલવે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ બધા અસામાજિક તત્વો જ નીકળ્યા છે.
પાંચેય આરોપી બાગબાહરાના રહેવાસી છે. આરપીએફ પોલીસ રેલવે એક્ટ 1989 હેઠળ કેસ નોંધીને આરોપીઓને રેલવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બીજા આરોપીઓની તલાશ પણ થઈ રહી છે.
આરપીએફના અધિકારીએ એવી માહિતી આપી હતી કે, ‘કાલે વંદે ભારત ટ્રેન જે 16 તારીખે દોડવાની છે, તેની ટ્રાયલ રન હતી. તે મહાસમુન્દથી સવારે 07:10 વાગે નીકળી. 9 વાગ્યાની આસપાસ બાગબાહરાની નજીક અમુક અસામાજિક તત્વોએ ચાલુ ટ્રેન પર પથ્થરમારો કરી દીધો. ટ્રેનમાં અમારી સપોર્ટિંગ ટીમ હથિયારની સાથે હતી.માહિતી મળ્યા બાદ તાત્કાલિક એક ટીમ ગઈ અને તેણે તપાસ કર્યાં બાદ પાંચ આરોપી પકડાઈ ગયા. પાંચ આરોપીઓના નામ શિવ કુમાર બઘેલ, દેવેન્દ્ર કુમાર, જીતુ પાંડે, સોનવાની અને અર્જુન યાદવ છે. આ પાંચેય બાગબાહરાના છે અને આ લોકો અસામાજિક તત્વો છે.’
