તિરુપતિ મંદિરમાં નાસભાગ : વૈકુંઠ દ્વારના દર્શન માટે ટોકન લેવા ભક્તોની ભીડ ઉમટી, 6 લોકોના મોત, 40 ઘાયલ
આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં બુધવારે રાત્રે થયેલી ભાગદોડમાં છ લોકોના મોત થયા હતા અને 40 ભક્તો ઘાયલ થયા હતા. શ્રી તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે નાસભાગ મચી ગઈ હતી. વૈકુંઠ દ્વાર દર્શનમ માટે મોટી સંખ્યામાં લોકો ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ભાગદોડ મચી ગઈ. ભાગદોડમાં મોટી સંખ્યામાં લોકો કચડાઈ ગયા હતા ત્યારે આ બાબતે પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ શ્રદ્ધાળુઓના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.
વાસ્તવમાં શુક્રવારથી શરૂ થતા 10 દિવસના વિશેષ વૈકુંઠ દ્વાર દર્શન માટે ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. મંદિર સમિતિએ 91 કાઉન્ટર ખોલ્યા હતા. લગભગ 4 હજારની ભીડ હતી. દરમિયાન કતારમાં ઉભેલી એક મહિલા બેહોશ થઈ ગઈ હતી. તેને સારવાર માટે ગેટ ખોલીને બહાર કાઢવામાં આવી હતી. આ દરમિયાન લોકો અંદર ઘૂસવા લાગ્યા. નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. જેમાં બીમાર મહિલાનું પણ મોત થયું હતું.

જ્યાં દુર્ઘટના થઈ, તે ગેટ 10 જાન્યુઆરીએ ખોલવાનો હતો
મંગળવારે એક દિવસ પહેલા, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના કાર્યકારી અધિકારી જે શ્યામલા રાવે કહ્યું હતું કે વૈકુંઠ દરવાજા 10થી 19 જાન્યુઆરી સુધી વૈકુંઠ એકાદશી પર દર્શન માટે ખોલવામાં આવશે. સવારે 4.30 વાગ્યાથી પ્રોટોકોલ દર્શન શરૂ થશે, ત્યારબાદ સવારે 8 વાગ્યાથી સર્વ દર્શન શરૂ થશે. આ માટે લોકો ટોકન લેવા માટે લાઈનમાં ઉભા હતા. આ 10 દિવસમાં લગભગ 7 લાખ શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે.
અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં બનેલી નાસભાગની ઘટનાથી દુખી છું. મારી સહાનુભૂતિએ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. આંધ્રપ્રદેશ સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે.
તિરુપતિ ભારતનું સૌથી પ્રખ્યાત અને સૌથી ધનિક મંદિર
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એ વિશ્વના સૌથી પ્રસિદ્ધ અને સૌથી ધનિક તીર્થસ્થાનોમાંનું એક છે. તે આંધ્ર પ્રદેશના સેશાચલમ પર્વત પર આવેલું છે. ભગવાન વેંકટેશ્વરનું આ મંદિર રાજા તોંડમન દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને 11મી સદીમાં રામાનુજાચાર્ય દ્વારા પવિત્ર કરવામાં આવ્યું હતું.
