દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગનો મામલો : તંત્રની ભૂલને કારણે જ રેલવે સ્ટેશન પર દુર્ઘટના સર્જાઈ, RPFના રિપોર્ટમાં ધડાકો
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી દુર્ઘટના માટે રેલવે તંત્રની જ ભૂલ હોવાનું રેલવે પ્રોટેક્શન ફોર્સના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે.રેલવે દ્વારા એક જ ટ્રેનના પ્લેટફોર્મ અંગે અલગ અલગ સમયે થયેલી બે જાહેરાતોને કારણે નાસભાગ મચતા આ ગોઝારી દુર્ઘટના બની હતી.
આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 15 ફેબ્રુઆરીએ, પ્લેટફોર્મ 12-16 મહા કુંભ માટે પ્રયાગરાજ જતા મુસાફરોના ભીડને કારણે ખૂબ જ ભીડ જમા થઈ ગઈ હતી, રાત્રે 8 વાગ્યે શિવગંગા એક્સપ્રેસની રવાનગી પછી પ્લેટફોર્મ 12 પર મુસાફરોની મોટી ભીડ એકઠી થઈ હતી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, સ્ટેશન ડિરેક્ટર અને આરપીએફના સહાયક સુરક્ષા કમિશનર તેમના સ્ટાફ સાથે ફૂટ ઓવરબ્રિજ 2 અને 3 પર પહોંચ્યા હતા અને ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.એ તબક્કે ભીડ ઓછી કરવા માટે કુંભ માટેની વિશેષ ટ્રેનો ને વહેલી ચલાવવા આરપીએફ ના ઇન્સ્પેક્ટરે સ્ટેશન ડિરેક્ટરને અનુરોધ કર્યો હતો.
એ દરમિયાન રાત્રે 8:45 વાગ્યે કુંભની વિશેષબ્તરેણ 12 નંબરના પ્લેટફોર્મ પર આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. એ ઘોષણા કર્યાંના થોડા સમય પછી એ ટ્રેન 16 નંબરના પ્લેટફોર્મ પર આવશે એવી નવી જાહેરાત કરવામાં આવી હતી. આ અચાનક ફેરફારે મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાવી દીધો હતો. પ્લેટફોર્મ 12-13 પરના મુસાફરો 2 અને 3 નંબરના ફૂટ ઓવરબ્રિજ પર ચડવા લાગ્યા હતા, જ્યારે મગધ એક્સપ્રેસ, સંપર્ક ક્રાંતિ અને પ્રયાગરાજ એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં ચડવાની રાહ જોતા મુસાફરો ઝડપથી નીચે ઊતરવા લાગ્યા હતા. એ સમયે કેટલાક લોકો લપસીને પડી જતા એ ઘટના બની હોવાનું રિપોર્ટમાં જણાવતું છે.

ટિકિટનું વેચાણ બંધ કરી દેવાનીઆરપીએફ એ સૂચના આપી હતી
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર સાંજે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીની બે કલાકમાં જ 2600 ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું અને પરિણામે ભીડ વધતી જ જતી હતી. સીસીટીવી ફુટેજમાં પ્લેટફોર્મ નંબર 12 અને 16 ઉપર બેકાબુ ભીડ નજરે પડ્યા બાદ આરપીએફ ઇન્સ્પેક્ટરે પ્રયાગરાજ માટે દર કલાકે અપાતી 1500 ટિકિટનું વેચાણ બંધ કરવા રેલવે સત્તાવાળાઓને અનુરોધ પણ કર્યો હોવાનું એ રિપોર્ટમાં જણાવ્યું છે.
દુર્ઘટનાનો સાચો સમય પણ નક્કી નથી થઈ શક્યો: મદદનો કોલ છેક 40 મિનિટ પછી થયો
18 લોકોની જિંદગી છીનવી લેનાર આ દુર્ઘટનાનો સાચો સમય કયો એ પણ નક્કી નથી થઈ શક્યું.રેલવેએ આ ઘટના રાત્રે 9.15 વાગ્યે બની હોવાની સતાવાર જાહેરાત કરી છે.આરપીએફના રિપોર્ટમાં ઘટના રાત્રે 8.48 વાગ્યે બની હોવાનું અને એ ઘટના અંગે ફરજ પરના સ્ટેશન ઈનચાર્જ ને જાણ કરી હોવાનું જણાવાયું છે.જ્યારે ફાયર બ્રિગેડે તેમને દિલ્હી પોલીસ તરફથી પ્રથમ કોલ રાત્રે 9.55 મિનિટે મળ્યો હોવાનું જણાવાયું છે. અર્થાત્, રેલવે એ કરેલી જાહેરાત મુજબ ઘટના 9.15 વાગ્યે બની હોય તો પણ ફાયર સર્વિસને જાણ કરવામાં 40 મિનિટનો વિલંબ થયો હતો.