એશિયા કપના ફાઇનલમાં સિરાજ સામે લંકા તારાજ: 15.2 ઓવરમાં 50 રનમાં આખી ટીમનું ફીંડલું
ભારતના ઓપનિંગ બેટરોએ જ 7 ઓવરમાં વિના વિકેટે ટાર્ગેટ પૂરો કર્યો: સિરાજે 6 અને હાર્દિકે 3 શિકાર કર્યા: દેશભરમાં થઈ ઉજવણી
કોલંબોખાતે એશીયા કપના ફાઇનલમાં પ્રારંભમાં થોડા વરસાદ પડ્યા બાદ મેદાનમાં સિરાજ અને હાર્દિક નામની આંધી ફૂંકાઈ હતી. જેમાં શ્રીલંકાની ટીમ જમીન દોસ્ત થઈ ગઈ હતી. 50 ઓવરના મેચમાં લંકાની ટીમ ફક્ત 15.2 ઓવરમાં 50 રનનો તદ્દન મામૂલી જુમલો કરીને તંબુ ભેગી થઈ ગઈ હતી અને ભારતને જીતવા માટે 51 રનનો ટાર્ગેટ અપાયો હતો. જે ભારતીય બેટરોએ વિના વિકેટે 7 ઓવરમાં જ જીતનો ટાર્ગેટ પૂરો કરી લીધો હતો અને ભારતીય ટીમ એશિયા કપ ચેમ્પિયન બની ગઈ હતી. ઓપનિંગ જોડીમાં રોહિતના બદલે ગિલ સાથે ઇશાન મેદાને ઉતર્યો હતો. ઇશાન અંગત 23 રન અને ગિલ અંગત 27 રન સાથે નોટઆઉટ રહ્યા હતા. દેશભરમાં જીતની ઉજવણી કરવામાં આવી હતી અને લોકોએ ફટાકડા ફોડ્યા હતા.
શ્રીલંકાની ટીમના સુકાનીએ ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો પરંતુ શ્રીલંકાની ટીમ સિરાજ અને હાર્દિક સામે શરણે થઈ ગઈ હતી. પત્તાના મહેલની જેમ એક પછી એક બેટરો આઉટ થયા હતા. સિરાજે 6 શિકાર કર્યા હતા અને લંકાના ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરને તંબુ ભેગા કર્યા હતા. જ્યારે હાર્દિકે 3 વિકેટ ઝડપી હતી અને બૂમરાહે એક શિકાર કર્યો હતો.
લંકા વતી કુશાલ મેન્ડીસે હાઇસ્કોર એટલે કે 17 રન કર્યા હતા. જ્યારે બીજા ક્રમે મોટો જુમલો ડુસાનનો રહ્યો હતો. જેણે 13 રન કર્યા હતા. લંકાના 5 બેટરો શૂન્ય રને તંબુ ભેગા થયા હતા. જ્યારે કોઈએ 2 રન તો કોઈએ 1 રનનો ફાળો નોંધાવ્યો હતો.
લંકાની આખી ટીમ 15.2 ઓવરમાં ફક્ત 50 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતીય બેટરોએ ખૂબ જલ્દી ટાર્ગેટ પૂરો કરી લીધો હતો અને ભારત એશિયા કપ ચેમ્પિયન બની ગયું હતું.
ભારત વતી સિરાજે 7 ઓવરમાં 21 રન દઈને 6 વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડયાએ 2.2 ઓવરમાં 3 રન આપીને 3 શિકાર કર્યા હતા. બૂમરાહે 5 ઓવરમાં 23 રન દઈને 1 વિકેટ ઝડપી હતી.