કોરોનાનો પગ પેસારો : દર કલાકે નવા આટલા કેસ વધે છે
- ૨૪ કલાકમાં વધુ ૩૫૮ કેસ સામે આવ્યા : વધુ ત્રણનાં મોત : કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૬૬૯ પહોચી
કોરોનાનો નવો વેરિયન્ટ ખુબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે અને દેશમાં કેસની સંખ્યામાં વધારો નોંધાતો જાય છે. પ્રાપ્ત આંકડા અનુસાર અત્યારે દેશમાં દર કલાકે ૧૫ નવા કેસ આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૮ નવા કેસ નોંધાયા છે અને વધુ ૩નાં મોત થયા છે. દેશમાં અત્યારે કુલ ૬ મોત થયા છે અને એક્ટિવ કેસની સંખ્યા ૨૬૬૯ પહોચી ગઈ છે.
કેરળ અને કર્ણાટક ઉપરાંત દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ કોવિડના કેસ નોંધાયા છે. કોવિડ-19ના વધતા જતા કેસોએ ફરી એકવાર લોકોને ચિંતામાં મૂકી દીધા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 358 નવા કેસ નોંધાયા છે. કેરળમાં 300 નવા કેસો ઉપરાંત કર્ણાટકમાં 13, તામિલનાડુમાં 12, ગુજરાતમાં 11, મહારાષ્ટ્રમાં 10, તેલંગાણામાં 5, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પુડુચેરીમાં, આંધ્રપ્રદેશ, આસામ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર અને પંજાબમાં એક-એક કેસ નોંધાયો છે. પંજાબમાં એક અને કર્ણાટકમાં બે વ્યક્તિનું મોત થયું છે. આ રીતે છેલ્લા 24 કલાકમાં કોવિડના કારણે ૩ લોકોના મોત થયા છે.ગઈ કાલે પણ કેરળમાં ત્રણના મોત થયા હતા.
દેશમાં મોટાભાગના કેસ કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ JN.1 સાથે સંબંધિત છે. તેથી જ નિષ્ણાતોએ વાયરસથી બચવા માટે સાવચેત રહેવાનું કહ્યું છે. તેમનું કહેવું છે કે નવા વેરિયન્ટ્સનું આવવું આશ્ચર્યજનક નથી અને તેનાથી ગભરાવાની જરૂર નથી.આ વખતે રસીકરણ ઊંચા દરના કારણે કોવિડથી વધુ ખતરો દેખાઇ રહ્યો નથી.