સ્પાઈસ જેટના ક્રુ મેમ્બરે Flightમાં કરી ધૂળેટીની ઉજવણી : બલમ પિચકારી ગીત પર કર્યો શાનદાર ડાન્સ, જુઓ વિડીયો
શુક્રવારે દેશભરમાં ધૂળેટીનો તહેવાર મનાવાયો હતો. આ દરમિયાન દિલ્હીથી ઉડાન ભરનાર સ્પાઈસ જેટની ફ્લાઈટનાં કૃ મેમ્બરોએ પણ બલમ પિચકારી નામના ફિલ્મી ગીત ઉપર શાનદાર ડાન્સ પરફોર્મન્સ આપીને મુસાફરોને ખુશ કરી દીધા હતા. ખુદ સ્પાઈસ જેટ તરફથી આ વિડીયો સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યો હતો અને તે વાઈરલ થયો હતો.
જો કે, શિવસેનાનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીને ફ્લાઈટમાં મુસાફરો હોળી રમ્યા તેની સામે વાંધો પડ્યો છે. તેમણે ફ્લાઈટમાં આનંદ માણતા મુસાફરો અને વિમાન કંપનીના સ્ટાફને સલાહ આપતી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર કરી છે. તેમના મતે ચાલુ ફ્લાઈટે આવો આનંદ માણવો યોગ્ય નથી.
મુસાફરો વિમાનમાં બેસી રહ્યા હતા ત્યારે જ એર હોસ્ટેસે ચંદનનું તિલક લગાવીને તેમનું સ્વાગત કર્યું. પછી અચાનક ‘બલમ પિચકારી’ ગીત વાગવા લાગ્યું અને વાદળી જીન્સ અને સફેદ કુર્તા પહેરેલી એર હોસ્ટેસ નાચવા લાગી હતી. ગુલાલથી રંગાયેલા ચહેરા સાથેના તેમના અદ્ભુત પ્રદર્શનથી સમગ્ર વાતાવરણ ઉજવણીમાં ફેરવાઈ ગયું હતું. મુસાફરોએ ઉત્સાહ અને તાળીઓ પાડી અને કેટલાક તો મજામાં જોડાયા હતા.
આ પછી મુસાફરોમાં ગુજિયા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું, જેનાથી ફ્લાઇટની મુસાફરી વધુ મધુર બની ગઈ હતી. સ્પાઇસજેટે સ્પષ્ટતા કરી કે આ બધું ફ્લાઈટ હજુ ઉપડી નહોતી ત્યારે જમીન પર જ ઉજવણી થઈ હતી અને તે સમયે વિમાનના દરવાજા ખુલ્લા હતા. એરલાઇને કહ્યું, “અમે સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું. આ ઉજવણી ખૂબ કાળજીપૂર્વક કરવામાં આવી હતી જેથી કોઈને પણ મુશ્કેલી ન પડે. કંપનીનું કહેવું છે કે 2014થી તેઓ આ રીતે હોળીની ઉજવણી કરી રહ્યા છે જેથી મુસાફરોને યાદગાર અનુભવ મળે. ઘણા મુસાફરોએ તેની પ્રશંસા કરી અને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યા છે.
પણ ઘણાને ફ્લાઇટમાં હોળીની આ ઉજવણી ગમી નહોતી. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) નાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, “આ બરાબર નથી. લોકપ્રિયતા માટે બધી મર્યાદાઓ પાર કરી. એરલાઇન્સે લાઇવ મનોરંજન પર નહીં, પણ સલામતી અને સમયસર ફ્લાઇટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
સ્વાભાવિક રીતે જ લોકોએ પ્રિયંકાની ટિપ્પણીને હિન્દુ તહેવારને નિશાન બનાવવાનો પ્રયાસ ગણાવ્યો. લોકોએ કહ્યું કે આ ફક્ત એક ખુશીનો પ્રસંગ હતો જેને ખોટી રીતે જોવામાં આવી રહ્યો હતો. દરમિયાન, સ્પાઇસજેટે તેના નિવેદનમાં પુનરોચ્ચાર કર્યો કે સલામતી સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી અને મુસાફરો માટે આ એક નાની ઉજવણી હતી.