ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સ માટે ખાસ બજેટ! મલાયલમ અભિનેત્રી સાન્ડ્રા થોમસે ઇન્ટરવ્યુમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
મલયાલમ ફિલ્મ ઉદ્યોગને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નિર્માતા અને પ્રખ્યાત અભિનેત્રી સાન્ડ્રા થોમસે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હવે ઉદ્યોગમાં ડ્રગ્સ માટે ખાસ બજેટ નક્કી કરવામાં આવ્યું છે. શૂટિંગ દરમિયાન, સેટ પર એક અલગ રૂમ પણ તૈયાર કરવામાં આવે છે, જ્યાં કેટલાક લોકો ડ્રગ્સનું સેવન કરે છે.
સાન્દ્રાએ એમ પણ કહ્યું કે તેમણે આ ગંભીર મુદ્દો ફિલ્મ એસોસિએશન સમક્ષ ઉઠાવ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તેમના આ નિવેદન બાદ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. અભિનેત્રી સાન્ડ્રા થોમસે ઓન મનોરમા સાથેની એક મુલાકાતમાં મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સના વધતા વલણ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, “ઉદ્યોગમાં ડ્રગ્સની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. શૂટિંગ દરમિયાન શું થાય છે તે બધા જાણે છે, પરંતુ કોઈ ફરિયાદ કરવાની હિંમત કરતું નથી. ઘણી વખત નિર્માતાઓ પોતે જ આ બધામાં (ડ્રગ સેવન) સામેલ હોય છે. ફરિયાદો એટલા માટે કરવામાં આવતી નથી કારણ કે એવો ડર હોય છે કે ફિલ્મ બંધ થઈ શકે છે અથવા પ્રોજેક્ટ બંધ થઈ શકે છે.”
અભિનેત્રીએ આગળ કહ્યું, “મેં 2023માં જ ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સના વધતા ઉપયોગ સામે અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ બે વર્ષ પછી પણ પરિસ્થિતિ બદલાઈ નથી. પરિસ્થિતિ હજુ પણ એટલી જ ગંભીર છે.”
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી વિન્સી એલોસિયસે દક્ષિણ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા શાઈન ટોમ ચાકો પર દારૂ પીધેલી હાલતમાં ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો, પરંતુ તેમની સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે સાન્દ્રા થોમસે પણ પોતાની ચિંતા વ્યક્ત કરી છે.