બોલો! પટણાની હોસ્પિટલમાં મૃતદેહની એક આંખ રાતોરાત ગાયબ થઈ ગઈ
દેશમાં કેવી કેવી અવનવી ઘટનાઓ બને છે !
ઉંદરો કાતરી ગયા હોવાનો તબીબોનો ખોખલો બચાવ
બિહારની રાજધાની પટણામાં રાજ્ય સરકાર સંચાલિત નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના આઈસીયુમાં પડેલા એક મૃતદેહની એક આંખ ગાયબ થઈ જતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. કેટલાક તબીબોએ મૃતદેહની ગુમ થઈ ગયેલી આંખ ઉંદરો કાતરી ગયા હોવાનો બચાવ વ્યક્ત કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ફન્ટુશ કુમાર નામના એક શખ્સ ઉપર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
શુક્રવાર રાત્રે જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. એ હોસ્પિટલમાં રાત્રે પોસ્ટમોર્ટમ ન કરવામાં આવતું હોવાથી તેના મૃતદેહને આઈસીયુ ની પથારી ઉપર જ છોડી દેવામાં આવ્યો હતો.
શનિવારે સવારે જ્યારે મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો ત્યારે તેની એક આંખ ગાયબ થઈ ગઈ હતી.
આ ઘટનામાં તબીબોની બેદરકારી ઉપરાંત કાંઈક ખોટું થયું હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. મૃતદેહ ની પથારી ઉપરથી સર્જીકલ સાધનો પણ મળી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા હોસ્પિટલમાં ભારે દોડધામ મચી ગઈ હતી. કેટલાક તબીબોએ ઉંદર આંખ કાતરી ગયા હોવાની સંભાવના વ્યક્ત કરી હતી. જોકે આઇસીયુંમાં ઉંદરો આટા ફેરા કરે અને લાશ ની આંખ ખાઈ જાય એ સંભાવના પણ હોસ્પિટલની ઘોર બેદરકારી દર્શાવે છે. બનાવવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોસ્ટ મોર્ટમ બાદ જ એક આંખ ગાયબ થઈ જવાનું કારણ જાણી શકાશે તેવો ખુલાસો હોસ્પિટલના સતાવાળા ઓ એ કર્યો હતો.