સાઉથ કોરિયન અભિનેતા લી સન ક્યુ એ આપઘાત કરી જિંદગી ટૂંકાવી
ઓસ્કાર વિજેતા ફિલ્મ પેરેસાઈટમાં યાદગાર ભૂમિકા ભજવી હતી:ગાડીમાંથી લાશ મળી
ઓસ્કાર વિજેતા ફિલ્મ પેરેસાઈટમાં યાદગાર ભૂમિકા ભજવનાર સાઉથ કોરિયાના અભિનેતા લી સન ક્યુ નો મૃતદેહ બુધવારે તેની ગાડીમાંથી મળી આવ્યો હતો. 48 વર્ષના આ કલાકાર સામે મારીજુઆના અને અન્ય સાઇકોએક્ટિવ ડ્રગ્સ લેવા બદલ પોલીસ તપાસ ચાલી રહી હતી. લી એ આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
દક્ષિણ કોરિયાની પ્રતિષ્ઠિત કોરિયન નેશનલ યુનિવર્સિટી ઓફ આર્ટસના સ્નાતક લી એ 2001 માં ‘ લવર્સ ‘ નામની ટેલિવિઝન સીટકોમ થી કારકિર્દી ની શરૂઆત કરી હતી. બે દાયકાની સુદીર્ઘ કારીકર્દી દરમિયાન તેણે વાઈટ ટાવર, પાસ્તા, માય સિસ્ટર, કોફી પ્રિન્સ વગેરે જેવી હિટ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. 2000માં ઓસ્કર વિજેતા જાહેર થયેલ ફિલ્મ પેરેસાઈટની ભૂમિકા બદલ તેને વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. લી સામે ડ્રગના સેવન બદલ પોલીસ તપાસ ચાલી રહી હતી. ત્યારબાદ તેના વળતા પાણી થયા હતા અને આ વર્ષે બનનારી’ નો વેઆઉટ ‘ નામની ટીવી સિરિયલમાંથી તેને પડતો મુકવામાં આવ્યો હતો. ડ્રગ કૌભાંડમાં તેનું નામ ઉછળ્યા બાદ તેણે પોતાના ચાહકો અને પરિવારજનોની માફી માગી હતી. લી પોતાની પાછળ પત્ની અને બે સંતાનોને વિલાપ કરતા છોડી ગયા છે.