ક્યારેક ED, ક્યારેક CBI…મારી છબી બગાડવા ભાજપે પુષ્કળ પૈસા ખર્ચ્યા..’ : હેમંત સોરેન
ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, ‘જો હિંમત હોય તો સામે આવીને લડો- કાયરની જેમ પાછળથી વાર કેમ કરો છો?’ સોરેને સમાચારની હેડલાઇન પણ પોસ્ટ કરી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમની છબી ખરાબ કરવા માટે ખૂબ પૈસા ખર્ચવામાં આવ્યા છે.
પોસ્ટમાં હેમંત સોરેને કહ્યું કે, ‘ક્યારેક ઈડી, ક્યારેક સીબીઆઈ, ક્યારેક બીજી કોઈ એજન્સી- અને ક્યારેક કોઈક બીજું. હવે મારી છબી ખરાબ કરવા માટે અરબો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યાં છે. અજીબ સ્થિતિ છે.’
સોરેને ભાજપની ‘ડબલ એન્જિન’ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, સરકાર પાસે રાજ્યમાં લગભગ પાંચ વર્ષ પહેલાં સત્તા હતી અને તેઓએ શાળાઓ બંધ કરી દીધી. ઘણાં લોકોના રાશન કાર્ડ રદ કરી દીધાં. ઝારખંડ લોક સેવા આયોગ (જેપીએસસી)ની પરીક્ષાઓનું પણ આયોજન ન કર્યું. ભાજપ સરકાર લગભગ 11 વર્ષથી કેન્દ્ર અને પાંચ વર્ષથી રાજ્ય સત્તામાં રહી. પોતાને ડબલ એન્જિનની સરકાર કહે છે. તો પછી રઘુવર સરકારે પાંચ વર્ષમાં 13 હજાર શાળાઓ બંધ કેમ કરી દીધી?
ઝારખંડની 81 વિધાનસભા બેઠકો માટે 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
