સામાજિક ભેદભાવ : સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી સામેની ફરિયાદ પાછી ન ખેંચતા સવર્ણો દ્વારા દલિતોનો સામાજિક બહિષ્કાર
કર્ણાટકમાં 15 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેવાના આરોપી સામેની ફરિયાદ પાછી ખેંચવાનો ઇનકાર કરવાના ‘ ગુના ‘ બદલ કર્ણાટકના એક ગામમાં 50 દલિત પરિવારોનો એક મહિનાથી સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ બેંગલુરુથી 500 કી.મી. દૂર આવેલા યદગીર જિલ્લામાં 15 વર્ષની એક દલિત બાળા ગર્ભવતી હોવાની જાણ થયા બાદ, તે 23 વર્ષના ઉચ્ચ જાતિના એક યુવાનના દુષ્કર્મ નો ભોગ બની હોવાનો ભંડાફોડ થયો હતો.એ સગીરાને લગ્ન કરવાનું વચન આપી એ યુવાને શારીરિક સબંધ બાંધ્યો હોવાનું જાણવા મળ્યા બાદ સગીરાના વાલીઓએ આરોપીના પરિવારજનોને મળી લગ્ન કરવા માટે અનુરોધ કર્યો હતો.જો કે યુવકના પરિવારજનોએ ઇનકાર કરી દેતા અંતે ફરિયાદ નોંધાઇ હતી અને યુવાન સામે પોક્સો હેઠળ ગુનો નોંધી 12 ઓગસ્ટના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.
બીજી તરફ દલિતોની આ ગુસ્તાખી સામે સવર્ણો એક થઈ ગયા હતા અને તેમનો સામાજિક બહિષ્કાર કરવાનું સોશિયલ મીડિયા પર આહવાન કરવામાં આવ્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર એ ગામની બે કોલોનીમાં 50 દલિત પરિવારોના આશરે 250 સભ્યો વસે છે.એ દલિતોને કરિયાણા સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.બજાર, મંદિર અને ત્યાં સુધી કે વાળંદ ની દુકાનમાં પણ તેમને પ્રવેશ નથી આપવામાં આવતો.50 દલિત પરિવારો અને તેમના પરિવારજનો આ સામાજિક બહિષ્કારને કારણે લાચાર અને નિરાધાર અવસ્થામાં છેલ્લા એક મહિનાથી પીડાઈ રહ્યા છે.
આ ઘટના બાદ એ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.