નાઇજીરીયામાં આતંકવાદી હુમલામાં થયા આટલા લોકોના મોત
બોકોહરામના આતંકીઓ ગામડા પર ત્રાટક્યા
નાઈજરિયાના યોબે રાજ્યના ગુરુકેયેયા નામના ગામડાને ઘેરી લઈ ઇસ્લામિક આતંકવાદી સંગઠન બોકોહરામના આતંકીઓએ અંધાધુંધ ગોળીબાર કરતા 17 ગ્રામજનોના મૃત્યુ થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ રાત્રે 8:30 વાગ્યે આતંકીઓએ ગામમાં ઘુસી ગોળીબાર શરૂ કરી દીધો હતો. આતંકીઓએ જતા પહેલા રસ્તા ઉપર સુરંગો પાથરી દીધી હતી જે ફુટતા બાદમાં વધુ 20 નાગરિકો માર્યા ગયા હતા અને મૃત્યુવાહક 37 નો થયો હતો.
આ અગાઉ 14 મી ઓગસ્ટે પણ આ જ સંગઠનના આતંકીઓએ કરેલા હુમલામાં ત્રણ પોલીસ જવાનો અને 10 ખેડૂતો સહિત તેર લોકોના મૃત્યુ થયા હતા. આફ્રિકાના આ વિસ્તારોમાં ઇસ્લામિક આતંકવાદને નાથવા માટે યુએન પીસ કીપિંગ ફોર્સની ઉપસ્થિતિ હોવા છતાં આતંકવાદને નાથવાનું શક્ય બન્યું નથી.
પશ્ચિમ આફ્રિકા ઇસ્લામિક આતંકવાદની નાગચૂડમાં
પશ્ચિમ આફ્રિકા અને સાહેલ રિજીયનમાં અફઘાનિસ્તાન કે મધ્ય પૂર્વ ના દેશોના આતંકને પણ ભુલાવે એવા કૃત્યો ઈસ્લામિક આતંકવાદી સંગઠનોએ કર્યા છે. બોકોહરામ સહિતના આતંકવાદી સંગઠનોના આતંકને કારણે ગામડાઓના ગામડાઓ ખાલી થઈ ગયા છે. છેલ્લા છ મહિનામાં જ માલીમાં 844, બુરકીનાફાસો માં 2,725 અને નાઈઝેરીયામાં 70 સહિત પશ્ચિમ આફ્રિકા અને સાફેલ વિસ્તારમામાં આતંકવાદી હુમલાના 1800 બનાવ બન્યા છે જેમાં અત્યાર સુધીમાં 4600 લોકોના મૃત્યુ થયા છે.