રાજકોટમાં એક રાતમાં 3 મકાનને નિશાન બનાવનાર તસ્કર ગેંગ પકડાઇ : 33 ગુના ધરાવતા 3 સહિત 4 લોકોને પોલીસે દબોચ્યા
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી નાની-મોટી ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હોય તસ્કરોને પકડવા માટે પોલીસ આમ-તેમ દોડી રહી છે. દરમિયાન ઝોન-2 એલસીબી ટીમને સફળતા સાંપડતાં એક જ રાતમાં ત્રણ મકાનને નિશાન બનાવનાર તસ્કર ગેંગને પકડી પાડી હતી. ચાર લોકોની આ ગેંગે 11 જૂલાઈએ રાજનગર ચોક, ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલા મકાનમાંથી રોકડ ઉપરાંત તાંબા, જર્મન અને પીત્તળના વાસણની ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું. જ્યારે ગુંદાવાડીમાં આવેલા એક મકાનમાં ચોરી કરવા ગયા હતા પરંતુ કશું હાથ લાગ્યું નહોતું.

ઝોન-2 LCB PSI આર.એચ.ઝાલા સહિતની ટીમે 150 ફૂટ રિંગરોડ પર નાનામવા ચોક પાસેથી દીપક બાબુ દાણીધારિયા, મનસુખ ઉર્ફે દીકુ હરિભાઈ પરમાર, કિશન ઉર્ફે બાઉ અરજણભાઈ ડાભી અને ચેતન કમલભાઈ સોલંકીને પીત્તળ-તાંબા-જર્મનના 50,350ના ચોરાઉ વાસણ તેમજ જે રિક્ષામાં બેસી ચોરી કરવા જતા હતા તે રિક્ષા સહિત 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો : રાજકોટના પીધેલા યુગલે થાર કાર સાથે જેતપુર હાઈ-વે પર મચાવ્યો ઉત્પાત : ટ્રાફિક પોલીસને કચડી નાખવાનો કર્યો પ્રયાસ
આ ગેંગ દિવસે ભંગારની ફેરી કરે ત્યારે બંધ ઘરની રેકી કરી લેતા અને રાત્રે એકઠા થઈ રિક્ષામાં જે ઘરને નિશાન બનાવવાનું હતું ત્યાં પહોંચીને લોખંડના સળિયાથી તાળું કે નકુચો તોડી ઘરમાં ઘૂસતા હતા અને અંદરથી જે પણ હાથ લાગે જેમાં રોકડ, ઘરેણા કે વાસણ તેની ચોરી કરી લેતા હતા.ચાર પૈકી મનસુખ સામે 17, કિશન ઉર્ફે બાઉ સામે 7 અને ચેતન સોલંકી સામે 9 મળી ત્રણેય સામે કુલ 33 ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું હતું.