મહાકુંભ નાસભાગ દુર્ઘટનામાં કાવતરાની ગંધ, સેંકડો મોબાઈલ નંબરોની તપાસ
મહાકુંભમાં મૌની અમાવસ્યા દરમિયાન થયેલી ભાગદોડમાં કાવતરું હોવાની શંકા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ષડયંત્રના ભાગ રૂપે નાસભાગ મચી હોવાની શક્યતા છે. એસટીએફની ટીમો કાવતરાના એંગલની તપાસમાં વ્યસ્ત છે.
સંગમની આસપાસ સક્રિય મોબાઇલ નંબરોની તપાસ કરવામાં આવી રહી છે. ૧૬ હજારથી વધુ મોબાઈલ નંબરોની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની તપાસમાં, ઘટના પછી ઘણા મોબાઇલ નંબરો બંધ મળી આવ્યા છે. કંટ્રોલ રૂમના સીસીટીવીમાંથી ફેસ રેકગ્નિશન એપ દ્વારા શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી રહી છે.
મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ હતી. આ નાસભાગ રાત્રે 2 વાગ્યે થઈ હતી. વહીવટીતંત્રે કહ્યું હતું કે ભાગદોડમાં 30 લોકો માર્યા ગયા અને 60 લોકો ઘાયલ થયા હતા.
એજન્સીઓને કાવતરાની ગંધ આવી રહી છે અને જે મોબાઈલ નંબર બંધ આવી રહ્યા છે તેમની તપાસ શરૂ થઈ છે અને તેમાં કોણ કોણ બંધ છે અને શા માટે બંધ કરી દેવાયા છે તે બારામાં તપાસ થઈ રહી છે.