ઝીમ્બાબ્વેના યુવા ઓપનર બ્રાયન બેનેટે આયર્લેન્ડ વિરુદ્ધ સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. બ્રાયન બેનેટ વન-ડે ફોર્મેટમાં ૧૫૦થી વધુ રન બનાવનારો ઝીમ્બાબ્વેનો સૌથી યુવા બેટર બન્યો છે. હરારેમાં રમાયેલી મેચમાં બેનેટે ૧૬૩ બોલમાં ૨૦ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૧૬૯ રન ફટકાર્યા હતા.
બેનેટે ૨૧ વર્ષ અને ૯૬ દિવસની ઉંમરમાં વન-ડેમાં ૧૫૦થી વધુનો સ્કોર બનાવ્યો હતો. તેણે વિરાટ કોહલી તેમજ મહાન બેટર સચિન તેંડુલકરને પાછળ છોડ્યા હતા. કોહલીએ ૨૩ વર્ષ અને ૧૩૪ દિવસની ઉંમરે વન-ડેમાં પહેલી વખત ૧૫૦ રનનો આંકડો પાર કર્યો હતો જ્યારે સચિને ૨૬ વર્ષ અને ૧૯૮ દિવસની ઉંમરે આ કારનામું કર્યું હતું.

આમ તો બ્રાયન બેનેટ વન-ડેમાં ૧૫૦ અથવા તેનાથી વધુ રનની ઈનિંગ રમનારો દુનિયાનો ચોથા ક્રમનો યુવા બેટર છે. આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગના નામે વિશ્વ રેકોર્ડ નોંધાયેલો છે જેણે ૨૦૧૦માં કેનેડા વિરુદ્ધ ૧૭૭ રનની ઈનિંગ રમી હતી. ત્યારે સ્ટર્લિંગની ઉંમર માત્ર ૨૦ વર્ષ અને ચાર દિવસ હતી. બાંગ્લાદેશના તમીમ ઈકબાલ અને અફઘાનના ઈબ્રાહિમ જાદરાન ક્રમશ: બીજા અને ત્રીજા ક્રમે છે.