ઊંઘ માણસનો અધિકાર છે, આખીરાત પૂછપરછ ન કરી શકાય
બોમ્બે હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં EDની ઝાટકણી કાઢી
ઉદ્યોગપતિને બોલાવી આખી રાત પૂછપરછ કરીને પછી સવારે ધરપકડ કરી હતી
બોમ્બે હાઈકોર્ટે મની લોન્ડરિંગના કેસમાં એક વૃદ્ધ ઉદ્યોગપતિની આખી રાત પૂછપરછ કરવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું કે ઊંઘનો અધિકાર એ મૂળભૂત માનવ અધિકાર છે. તેનું ઉલ્લંઘન કરી શકાતું નથી. આ કેસમાં વૃદ્ધ વેપારીએ ઇડીએ કરેલી ધરપકડ સામે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં રાત્રીથી બીજા દિવસે સવારે 3.30 સુધી પૂછપરછ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને જસ્ટિસ મંજુષા દેશપાંડેની ડિવિઝન બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ખંડપીઠે કહ્યું હતું કે નિવેદન રાત્રે નોંધવું જોઈએ નહીં કારણ કે તેનાથી તેની વિચારવાની અને સમજવાની ક્ષમતાને અસર થઈ શકે છે. આ પ્રકારની પ્રથા બંધ થવી જોઈએ. કોર્ટે આ આદેશ 64 વર્ષીય રામ ઈસરાનીની અરજી પર આપ્યો છે જેમણે મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને પડકારી હતી. જોકે કોર્ટે અરજી ફગાવી દીધી હતી, પરંતુ તેણે EDને આખી રાત પૂછપરછ કરવા સામે ચેતવણી આપી હતી.
EDએ ઈસરાનીની ધરપકડ કરી હતી. તેણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તે 7 ઓગસ્ટ, 2023ના રોજ જારી કરાયેલા સમન્સ પર એજન્સી સમક્ષ હાજર થયો હતો અને આખી રાત પૂછપરછ કરવામાં આવી હતી અને બીજા દિવસે તેની ધરપકડ કરવામાં આવી હતી.
બીજી તરફ તપાસ એજન્સીના વકીલ હિતેન વેણેગાંવકરે કોર્ટને જણાવ્યું કે ઈસરાનીએ રાત્રે પોતાનું નિવેદન નોંધવા માટે સંમતિ આપી હતી. અરજી અનુસાર, ઇડી અધિકારીઓએ વહેલી સવાર સુધી ઇસરાનીની પૂછપરછ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, “સ્વૈચ્છિક અથવા અન્યથા, અમે જે રીતે અરજદારનું નિવેદન આટલી મોડી રાત્રે રેકોર્ડ કરવામાં આવ્યું હતું, જે સવારે 3.30 વાગ્યા સુધી ચાલુ રહ્યું તેની નિંદા કરીએ છીએ,
બેન્ચે કહ્યું કે ઊંઘનો અધિકાર એ મૂળભૂત માનવ જરૂરિયાત છે અને તેનાથી વંચિત રહેવું એ વ્યક્તિના માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું કે જ્યારે સમન્સ જારી કરવામાં આવે ત્યારે નિવેદન રેકોર્ડ કરવાના સમય અંગે પરિપત્ર/માર્ગદર્શિકા બહાર પાડવા માટે EDને નિર્દેશ આપવાનું તે યોગ્ય માને છે. ખંડપીઠે આ બાબતને પાલન માટે 9 સપ્ટેમ્બર માટે સૂચિબદ્ધ કરી હતી.