તિરુપતિ પ્રસાદ વિવાદમાં SIT કરશે સ્વતંત્ર તપાસ
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કરોડો લોકોની આસ્થાનો પ્રશ્ન છે અને જો આરોપોમાં થોડો પણ સત્યનો અંશ પણ હોય તો તે અસ્વીકાર્ય છે. સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો છે જેમાં સીબીઆઈ, પોલીસ અને એફએસએસએઆઈના અધિકારીઓ સામેલ હશે.કોર્ટે આદેશ આપ્યો હતો કે વરિષ્ઠ કેન્દ્રીય અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરીને નવેસરથી તપાસ કરવામાં આવે.
કેસની સુનાવણી કરતા જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે રાજ્યની એસઆઈટી હવે આ કેસની તપાસ નહીં કરે. તેમણે કહ્યું કે તેમને આરોપો અને પ્રત્યારોપોમાં કોઈ રસ નથી. તેઓ કોર્ટનો ઉપયોગ રાજકારણ માટે નહિ થવા થવા દે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે, અમે અખબારમાં વાંચ્યું છે કે મુખ્યમંત્રીએ કહ્યું કે તપાસ કરવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજનીતિ કરોડો લોકોની આસ્થા પર કરવામાં આવી રહી છે. આથી આ કેસની તપાસ સીબીઆઈના બે, રાજ્ય સરકારના બે અને એફએસએસએઆઈના એક અધિકારીની ટીમ સ્વતંત્ર રીતે કરશે. કોર્ટે કહ્યું કે લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીઓની ચરબી ભેળવવામાં આવી હોવાની દલીલમાં જો જરા પણ સત્યનો અંશ હોય તો તે ગંભીર મુદ્દો છે. આ કરોડો લોકોની આસ્થાનો પ્રશ્ન છે અને તેથી તેના પર રાજનીતિ યોગ્ય નથી.
આ કેસની સુનાવણી ગુરુવારે જ થવાની હતી પરંતુ તુષાર મહેતાએ શુક્રવારે સવારે આ અંગે જવાબ આપવા માટે પરવાનગી માંગી હતી. બેન્ચે તેમની વિનંતી સ્વીકારી હતી. અગાઉ 30 સપ્ટેમ્બરના રોજ સુનાવણી દરમિયાન મહેતાએ કહ્યું હતું કે રાજ્ય દ્વારા નિયુક્ત SIT દ્વારા તપાસ ચાલુ રાખવી જોઈએ અથવા તે સ્વતંત્ર એજન્સી દ્વારા થવી જોઈએ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે લાડુ બનાવવામાં ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ થયો હોવાના કયા પુરાવા છે. કોર્ટે કહ્યું હતું કે દેવતાઓને રાજનીતિથી દૂર રાખવા જોઈએ.