કાશ્મીરમાં એલઓસી પાસે ચીન-પાક સંરક્ષણ ક્ષમતા વધારે છે
ચીન અને પાકિસ્તાન ભારતના બે પાડોશીએ હંમેશા ભારત વિરોધી સાજીસ રચતા રહે છે. પાકિસ્તાનનું સહયોગી ચીન છેલ્લા ૩ વર્ષથી જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાની સેનાની સંરક્ષણ ક્ષમતા વધારવા પ્રયાસ કરી રહયું છે.
એક અંગ્રેજી સમાચારપત્રમાં પ્રકાશિત માહિતી અનુસાર ચીન પાકિસ્તાનની સીમા પર સ્ટીલહેડ બંકરોનું નિર્માણ કરવામાં મદદ કરે છે.
આ ઉપરાંત ડ્રોન અને ફાઇટર પ્લેન પણ ફાળવી રહયું છે. આનાથી આગળ વધીને ચીન સરહદે પાકિસ્તાનના સંચાર નેટવર્ક માટેના ટાવરોની સ્થાપના તથા એલઓસી વિસ્તારની જમીનમા ફાઇબર કેબલ નેટવર્ક બિછાવવામાં મદદ કરે છે.
સૈન્ય અધિકારીઓને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે કે ચીન પાકિસ્તાનને અધતન રડાર સિસ્ટમ આપે છે જે મધ્યમ અને ઓછી ઉંચાઇવાળા લક્ષ્યોને શોધી શકે છે. ચીની ફર્મ દ્વારા ૧૫૫ મિમી ટ્રક- માઉન્ટેડ હોવિત્ઝર તોપ એસએચ -૧૫ પણ કેટલાક સ્થળોએ જોવા મળે છે.
ચીન અને પાકિસ્તાનના આ પ્રયાસોને આર્થિક કોરિડોર (સીપીઇસી)ને વધુ સુરક્ષા આપીને મજબૂત કરવા સાથે જોડવામાં આવી રહયા છે. ચીની સૈનિકો અને એન્જીનિયર્સ એલઓસી પર બંકર સહિતના પાયાના બાંધકામો સ્થાપી રહયા છે. ચીનનો ઇરાદો કારાકોરમ રાજમાર્ગ સાથે જોડાવા માટે પીઓકેમાં પાકો રસ્તો તૈયાર કરવા ઇચ્છે છે.
પીઓકેની લીપાઘાટીમાં એક સુરંગનું નિર્માણ થઇ રહયું છે. આ સુરંગનું કનેકશન ૪૬ અબજ ડોલરની ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર યોજના સાથે છે. ચીન સડક માર્ગના માધ્યમથી પાકિસ્તાનના ગેર કાયદેસર કબ્જાવાળા વિસ્તાર કારાકોરમ રાજમાર્ગ વડે ગ્વાદર પોર્ટથી પોતાના શિનજિયાંગ પ્રાંત વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવા માંગે છે. ભારત અગાઉ પણ ગિલગિટ અને બાલ્ટિસ્તાન ક્ષેત્રોમાં ચીનની હિલચાલ પર વાંધો નોંધાવી ચુકયું છે. સરહદ પર સર્તક ભારતીય સેના આવનારા સમયના સંભવિત ખતરાને નિષ્ફળ બનાવવા માટે એલર્ટ છે.