ભારત સામે 2 એપ્રિલથી સમાન ટેરિફનો અમલ શરૂ કરાશે: ટ્રમ્પ છેલ્લા પાટલે બેઠા, ભારત 100 % ટેરિફ વસુલતૂં હોવાનો પુનરોચ્ચાર
અમેરિકાએ તેના ત્રણ સૌથી મોટા વેપારી ભાગીદાર દેશો કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ અને ચીની વસ્તુઓ પર ડ્યુટી બમણી કરીને 20 ટકા કર્યાના બીજા દિવસે જ નાળચું ભારત તરફ ફેરવ્યું હતું. તેમણે ભારત સહિતના વિશ્વના અન્ય તમામ દેશો ઉપર 2 એપ્રિલથી એ દેશો જેટલા જ સમાન ટેરિફનો અમલ કરવાની જાહેરાત કરી હતી.ટ્રમ્પે આમ તો આ અગાઉ અનેક વખત આ ચેતવણી આપી હતી પરંતુ આ વખતે તેઓએ અમેરિકી કોંગ્રેસ સમક્ષ આ જાહેરાત કરતાં મામલો ગંભીર બન્યો છે.નોંધનીય છે કે ગયા મહિને, ટ્રમ્પે તેમના વહીવટીતંત્રને યુએસના તમામ વેપારી ભાગીદારો પર વળતરરૂપી ટેરિફની યોજનાઓની તપાસ કરવા જણાવ્યું હતું, જે 1 એપ્રિલ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
સતા સંભાળ્યા પછી કોંગ્રેસની પ્રથમ બેઠકને સંબોધતા તેમણે કહ્યું , “અન્ય દેશોએ દાયકાઓથી આપણી સામે ટેરિફનો ઉપયોગ કર્યો છે, અને હવે આપણો વારો છે કે આપણે પણ તેમની સામે તેનો ઉપયોગ શરૂ કરીએ. યુરોપિયન યુનિયન, ચીન, બ્રાઝિલ, ભારત અને અસંખ્ય અન્ય દેશો આપણે વસુલીએ છીએ તેના કરતા ઘણા વધારે ટેરિફ વસૂલે છે અને તે ખૂબ જ અન્યાયી છે.”
ટ્રમ્પે વધુમાં કહ્યું , “ભારત આપણા ઉપર 100 ટકાથી વધુ ટેરિફ વસૂલે છે, ચીન આપણા ઉત્પાદનો પર સરેરાશ કરતાં બમણો ટેરિફ વસૂલે છે અને દક્ષિણ કોરિયા સરેરાશ ચાર ગણો વધારે ટેરિફ વસૂલે છે. આપણી સાથે આ કૃત્ય મિત્રો અને દુશ્મનો દ્વારા થઈ રહ્યું છે. આ સિસ્ટમ યુએસ માટે યોગ્ય નથી, તે ક્યારેય યોગ્ય નહોતી.હવે 2 એપ્રિલથી વળતરરૂપી ટેરિફ શરૂ થશે. તેઓ આપણા પર જે ટેક્સ લગાવશે, આપણે તેમના પર એટલી જ ટેક્સ લગાવીશું.”
અમેરિકાને હવે લૂંટાવા નહીં દઈએ
ટ્રમ્પે કહ્યું કે જો વેપારી ભાગીદાર રાષ્ટ્રો અમેરિકાને તેમના બજારથી દૂર રાખવા માટે બિન-નાણાકીય ટેરિફનો ઉપયોગ કરશે, તો અમે તેમને અમારા બજારથી દૂર રાખવા માટે બિન-નાણાકીય અવરોધોનો ઉપયોગ કરીશું.તેમણે ઉમેર્યું,”અમે અબજો અને અબજો ડોલર મેળવીશું અને પહેલા ક્યારેય જોઈ ન હોય એવી નોકરીઓનું સર્જન કરીશું. દાયકાઓથી દરેક દેશ દ્વારા અમેરિકાને લૂંટવામાં આવ્યું છે, અને અમે તે હવે થવા નહીં દઈએ.”