ઓમાનમાં મસ્જિદ નજીક ગોળીબાર ચાર વ્યક્તિનના મોત: અનેક ઘાયલ
બનાવ અંગે સત્તાવાળાઓનું ભેદી મૌન
ઓમાનના પાટનગર મસ્કતમાં એક મસ્જિદ પાસે થયેલા ફાયરિંગમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા અને બીજા અનેક ઘાયલ થયા હતા. આ બનાવ આતંકવાદનો છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે પોલીસે કોઈ સત્તાવાર ખુલાસો કરવાનું ટાળ્યું હતું. નોંધનીય છે કે ઓમાનમાં હિંસાની આવી ઘટનાઓ ભાગ્ય જ બને છે. પોલીસે આપેલા ટૂંકા નિવેદનમાં જણાવ્યા અનુસાર મસ્કતના અલ વાદી અલ કબીર વિસ્તારમાં આવેલી મસ્જિદ નજીક આ ઘટના બની હતી.
બનાવની જાણ થતા સુરક્ષા દળો ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે વધુ વિગતો આપી નથી, પરંતુ કેટલાક અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા એક બંદૂકધારીએ એસોલ્ટ રાઇફલ વડે ગોળીબાર કર્યો હતો. આ ઘટના શીયા સમુદાયના ધાર્મિક પ્રસંગે બની હોવાનું જાણવા મળે છે. ઘટના બાદ ગભરાયેલો લોકો ઈમામ અલી મસ્જિદ તરફ દોડી જતા હોય તેવા કેટલાક વિડીયો પણ વાયરલ થયા હતા.પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તમામ સુરક્ષા પગલા લેવામાં આવ્યા હોવાનું અને તપાસના ભાગરૂપે પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યો હોવાનું પોલીસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું