મહારાષ્ટ્રમાં 53 બેઠકો પર સેના વિરુદ્ધ સેના | શિંદે સામે તેમના જ ‘ગુરુ’નો ભત્રીજો મેદાનમાં
- પ્રજા નક્કી કરશે કે સાચી શિવસેના કોની: અનેક મહારથીઓના ભાવિ દાવ પર
- વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત છ મુખ્ય રાજકીય પક્ષો મેદાનમાં
મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં 228 માંથી 53 બેઠકો પર શિવસેના (શિંદે ) અને શિવસેના (ઠાકરે ) વચ્ચે સીધો જંગ ખેલાશે. એકનાથ શિંદેના બળવાને કારણે શિવસેના વિભાજિત થઈ ગઈ તે પછી યોજાઇ રહેલી વિધાનસભાની આ પ્રથમ ચૂંટણીમાં એ 53 બેઠકના પરિણામો દ્વારા મતદારો સાચી શિવસેના કોની તેનો ચુકાદો આપશે.
મહારાષ્ટ્રની આ ચૂંટણી અનેક સંદર્ભે અનોખી છે. પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, શિવસેના ( શિંદે ), એનસીપી (અજીત પવાર), કોંગ્રેસ, શિવસેના (ઠાકરે )અને એનસીપી( શરદ પવાર )એમ કુલ છ મુખ્ય રાજકીય પક્ષો મેદાનમાં છે. નોંધનીય છે કે એકનાથ શિંદેના બળવાને કારણે શિવસેનાના અને અજીત પવારના બળવાને કારણે એનસીપીના બે ફાડિયા થઈ ગયા હતા. હવે આ ચૂંટણીમાં એકનાથ શિંદે, અજીત પવાર, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની રાજકીય પ્રતિષ્ઠા તથા રાજકીય ભાવિ દાવ ઉપર લાગ્યા છે.
1966માં બાલા સાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી તે પછી તેમના પક્ષમાં અનેક વખત સંકટ સર્જાયું હતું.
છગન ભૂજબળ, નારાયણ રાણે અને રાજ ઠાકરે જેવા દિગ્ગજ નેતાઓ શિવસેના છોડી ગયા પછી પણ પક્ષનો દબદબો યથાવત રહ્યો હતો. પણ એકનાથ શિંદેના બળવાએ શિવસેનાને મરણતોલ ફટકો માર્યો હતો. ઉદ્વવ ઠાકરે એ એકનાથ શિંદેને ગદ્દાર ગણાવ્યા હતા જ્યારે શિંદેએ ઉદ્ધવ ઠાકરે હિંદુત્વને ભૂલી ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોવાની ખૂબી એ છે કે એકનાથ શિંદે પોતાને જ બાલા સાહેબ ઠાકરેના સાચા વારસદાર ગણાવી રહ્યા છે. આ સંજોગોમાં 63 બેઠકો પરનો સીધો જંગ ખૂબ રસપ્રદ બની રહેશે.
આ 53 બેઠકોમાંથી 38 બેઠકો મુંબઈ અને કોંકણ તટીય પટ્ટી વિસ્તારની છે. મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટનની 27, મરાઠાવાડની 11, વિદર્ભ ની 6, ઉત્તર મહારાષ્ટ્રની 5 અને પશ્ચિમ મહારાષ્ટ્રની 4 બેઠકો પર શિવસેના વિરુદ્ધ શિવસેનાના ઉમેદવારો મેદાનમાં છે.
સૌથી વધુ રસપ્રદ જંગ થાણેની કોપરી પચમખારી બેઠક ઉપર મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેનામાં બાલા સાહેબ ઠાકરે જેટલું જ માન અને મહત્વ ધરાવતા દિવંગત નેતા આનંદ દિઘેના ભત્રીજા કેદાર દિઘે વચ્ચે જામશે. રાજકીય વિડંબના એ છે કે આનંદ દિઘે એકનાથ શિંદેના રાજકીય ગુરુ હતા.
તેમની આંગળી પકડીને શિંદે રાજકારણમાં આગળ વધ્યા હતા. હવે આ ચૂંટણીમાં તેમના ગુરુના ભત્રીજા સામે જ તેમનો જંગ જામ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના કરતાં શિંદેની શિવસેનાનો દેખાવ બહેતર રહ્યો હતો. ઠાકરેની સેના 21 બેઠકો પર ચૂંટણી લડી તેમાંથી નવ બેઠક ઉપર વિજય થયો હતો જ્યારે શિંદેની સેના 15 બેઠક ઉપર ચૂંટણી લડી હતી અને 7 બેઠક ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. હવે વિધાનસભાની ચૂંટણીમાં બેમાંથી કઈ સેના ઉપર મતદારો પસંદગીનો કળશ ઢોળે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.
મુંબઈ અને મેટ્રોપોલિટન રિજિયનની આ 20 બેઠકો પર ખરાખરીનો જંગ
મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રીજીયનની 36 બેઠકો મહારાષ્ટ્રમાં સરકાર ગઠનમાં સૌથી વધારે નિર્ણાયક સાબિત થાય છે. મુંબઈ અને કોંકણ વિસ્તાર પરંપરાગત રીતે શિવસેના અને ભાજપનો ગઢ ગણાય છે. એ પૈકી મુંબઈની ભાઈખલ્લા, માહીમ, વરલી, અંધેરી પૂર્વ, જોગેશ્વરી પૂર્વ, ડિન્ડોસી, માગથાણે, ભાંડુપશ્ચિમ, વિખરોલી, કુરલા અને ચેમ્બુર તથા મુંબઈ મેટ્રોપોલિટન રિજીયનની કોપરી પચમખારી, ઓવલા – માજીવાડા, કલ્યાણ રૂરલ,કલ્યાણ વેસ્ટ, ભિવંડી રુરલ, આંબેરનાથ,પાલઘર, કરજણ અને અલીબાગની બેઠકો પર બંને શિવસેના વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે.