સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર : લોકો ઠુંઠવાયા
- પંજાબ અને હરિયાણામાં કોલ્ડવેવ એલર્ટ
- ઠંડીનું પ્રમાણ વધ્યું, કાશ્મીરમાં હિમવર્ષા સાથે થશે નવા વર્ષનું સ્વાગત
જમ્મુ-કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ અને પંજાબ, હરિયાણાથી લઈને રાજસ્થાન અને બિહાર સુધી સમગ્ર ઉત્તરપશ્ચિમ ભારત ગાઢ ધુમ્મસ અને તીવ્ર શીત લહેરોની લપેટમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી પર્વતીય રાજ્યોના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસ સુધી ઠંડીમાંથી કોઈ રાહત નહીં મળે.હવામાન ખાતાએ પહાડી રાજ્યોમાં નવી હિમ વર્ષાની આગાહી પણ કરી છે.
છેલ્લા બે દિવસથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. જેના કારણે એક દિવસ પહેલા દિલ્હીની ઘણી ફ્લાઈટને પણ અસર થઈ હતી. વિઝિબિલિટી ઓછી હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પંજાબના અમૃતસર અને રાજસ્થાનના ચુરુમાં ધુમ્મસના કારણે સવારની વિઝિબિલિટી લગભગ નહિવત રહી હતી.કાતિલ ઠંડીને કારણે જનજીવન ઉપર પણ અસર પડી છે અને લોકો ઠુંઠવાઈ રહ્યા છે.
હિમવર્ષા સાથે નવા વર્ષનું સ્વાગત
જમ્મુ-કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા સાથે નવા વર્ષનું સ્વાગત થવાની સંભાવના છે. હવામાન કેન્દ્ર શ્રીનગરના જણાવ્યા અનુસાર, 1 થી 3 જાન્યુઆરી સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલીક જગ્યાએ વરસાદ અને હિમવર્ષા થશે. હાલમાં, કાશ્મીરમાં શીત લહેર સાથે, મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે છે. શ્રીનગરમાં તાપમાન માઈનસ 2.1 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. પહેલગામમાં માઈનસ 3.9 ડિગ્રી અને ગુલમર્ગમાં માઈનસ 3.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લેહમાં પારો સુધર્યો છે અને અહીંનું લઘુત્તમ તાપમાન માઈનસ 7.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગે ઉત્તર ભારતીય રાજ્યો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે.
કચ્છ-સૌરાષ્ટ્રમાં ઠંડી વધી, હજુ વધશે
અત્યારે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી વધી છે અને આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે ઠંડીનું પ્રમાણ વધશે. કચ્છના નલિયામાં 10 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. અમદાવાદના વિસ્તારમાં 15 ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની શક્યતા છે. એક આગાહી અનુસાર, 29થી31 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર રહેશે. 1લી જાન્યુઆરીથી દેશના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરીમાં પાકિસ્તાન તરફથી આવનાર વાદળો કમોસમી વરસાદ લાવી શકે છે. 1થી 5 જાન્યુઆરીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે.