ગાંધી-વાડ્રા પરિવારના ઘરે ટૂંક સમયમાં ગુંજશે શરણાઈ! પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાનની સગાઇ,જાણો કોણ છે મંગેતર અવિવા બેગ
ઘણા લાંબા સમય પછી ગાંધી-વાડ્રા પરિવારના આંગણે શુભ પ્રસંગ આવ્યો છે. પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન વાડ્રાએ તેની ગર્લ ફ્રેન્ડ દિલ્હીની જ અવિવા બેગ સાથે સગાઇ કરી છે. બંને છેલ્લા સાત વર્ષથી રિલેશનમાં હતા અને બંને પરિવારજનોએ આ સંબંધને સ્વીકારી લીધા બાદ પસંદગીના મહેમાનોની હાજરીમાં સગાઇ કરવામાં આવી હતી.

નજીકના સુત્રો અનુસાર, આગામી બે-ત્રણ દિવસમાં આ સગાઇ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ વિધિવત સગાઇ માટે ગાંધી-વાડ્રા અને બેગ પરિવાર રાજસ્થાનના સવાઈ માધોપુર ગયા છે. જો કે હજુ સુધી આ સંબંધ અંગે ગાંધી કે વાડ્રા પરિવાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રેહાન વાડ્રાની ઉંમર ૨૪ વર્ષ છે અને તે એક વિઝ્યુઅલ આર્ટીસ્ટ છે. રેહાને અગાઉ ‘ડાર્ક પરસેપ્શન’ના નામે એક સોલો એક્ઝિબિશન પણ યોજ્યુ હતુ. તેને ફોટોગ્રાફી અને ટ્રાવેલિંગમાં ઘણી રૂચી છે.
કોણ છે અવિવા…
અવિવા બેગ દિલ્હીની રહેવાસી છે અને તેનો પરિવાર વાડ્રા પરિવારની ખૂબ નજીક માનવામાં આવે છે. અવિવાએ દિલ્હીની પ્રતિષ્ઠિત મોર્ડન સ્કૂલમાંથી તેનું પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી મીડિયા કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં ડિગ્રી મેળવી.
અવિવા એક વ્યાવસાયિક ફોટોગ્રાફર અને નિર્માતા છે. તેના ફોટોગ્રાફ્સ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પોર્ટલ અને પ્રકાશનોમાં દર્શાવવામાં આવ્યા છે.છેલ્લા કેટલાક વર્ષોમાં તેણીએ “યુ કાન્ટ મિસ ધીસ” (ઇન્ડિયા આર્ટ ફેર 2023) અને “ધ ઇલ્યુઝનરી વર્લ્ડ”સહિત અનેક સફળ પ્રદર્શનોમાં પોતાની કલાનું પ્રદર્શન કર્યું છે.
અવિવા બેગના વ્યક્તિત્વમાં ઘણા અન્ય રસપ્રદ પાસાઓ છે. તે રાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ખેલાડી હતી. પ્રકૃતિ પ્રત્યેના ઊંડા પ્રેમ સાથે તે ઘણીવાર તેના કેમેરા સાથે જંગલો, પર્વતો અને રણમાં પ્રવાસ કરે છે. તે એક પ્રવાસી છે અને દેશભરમાં તેની ફોટોગ્રાફી દ્વારા અસંખ્ય કહાનીઓ કેદ કરે છે. રેહાન અને અવિવા લાંબા સમયથી નજીક છે. જ્યારે રેહાન ઘણીવાર તેની માતા પ્રિયંકા ગાંધી સાથે રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં જોવા મળે છે ત્યારે અવિવા તેના પોતાના સર્જનાત્મક ક્ષેત્રમાં સક્રિય છે.
