વેસ્ટ ઈન્ડિઝ ટીમના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ : 7 ખેલાડીએ બનાવ્યા 0 રન,આખી ટીમ 27 રનમાં ઓલઆઉટ
ઑસ્ટ્રેલિયાએ વધુ એક વખત ડે-નાઈટ ટેસ્ટ મેચમાં હરિફ ટીમનું કચુંબર કાઢી નાખ્યું હતું. 2021માં એડિલેડમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 36 રને આઉટ કર્યા બાદ હવે 2025માં ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ ટીમને તેના જ ઘરમાં 27 રને ઓલઆઉટ કરી હતી. આ મેચમાં સ્કોટ બોલેન્ડે હેટ્રિક લીધી તો મીચેલ સ્ટાર્કે પોતાની 100મી ટેસ્ટને પ્લેયર ઑફ ધ મેચ એવોર્ડ જીતીને યાદગાર બનાવી હતી.
Here's the word class bowling of Mitchell Starc against West Indies. 5 WICKETS IN 15 BALLS. TEST CRICKET YOU BEAUTY 😍😍 pic.twitter.com/iVyHESVW8O
— Shehryar Sajid Khan (@Sskwrites) July 15, 2025
ઑસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચે 12થી 14 જૂલાઈ વચ્ચે પીન્ક બોલ ટેસ્ટ રમાઈ હતી જે શ્રેણીની ત્રીજી ટેસ્ટ હતી. આ ટેસ્ટને ઑસ્ટ્રેલિયાએ 176 રને જીતી હતી. લો-સ્કોરિંગ મેચમાં ઑસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઈનિંગમાં 225 રન બનાવ્યા હતા. જવાબમાં વિન્ડિઝની પહેલી ઈનિંગ 143 રને પૂર્ણ થઈ હતી. ત્યારબાદ ત્રીજી ઈનિંગમાં ઑસ્ટ્રેલિયાએ 121 રન બનાવતાં વિન્ડિઝને જીત માટે 204 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
આ પણ વાંચો : લોર્ડસ ટેસ્ટમાં ભારતની હાર માટે અક્ષય કુમાર જવાબદાર? મેચમાં એક્ટરની હાજરી પર ચાહકોએ ઠાલવ્યો રોષ
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વિન્ડિઝ ટીમનો પ્રથમ રન ત્રણ વિકેટ બની ગયા બાદ બન્યો હતો. હજુ પાંચ રન પણ ન્હોતા બન્યા ત્યાં ચોથી વિકેટ પડી હતી. ત્યારબાદ બે રન બન્યા પછી પાંચમી વિકેટ પડતાં વિન્ડિઝે સાત રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.વિકેટના પતન વચ્ચે માત્ર જસ્ટિસ ગ્રીવ્સ જ એવો ખેલાડી રહ્યો જે બે આંકના સ્કોર સુધી પહોંચી શક્યો હતો. તેણે 24 બોલમાં 11 રન બનાવ્યા હતા. ગ્રીવ્સને બોલેન્ડે આઉટ કર્યા બાદ બાકીના બે બોલમાં શમાર જોસેફ અને જોમેલ વારિકનને આઉટ કરી હેટ્રિક પૂર્ણ કરી હતી. જોમેલના આઉટ થયાના એક રન બાદ સ્ટાર્કે જેડેન સીલ્સને બોલ્ડ કર્યો હતો. આ સાથે જ વિન્ડિઝની આખી ટીમ 27 રને પૂરી થઈ હતી.
ટેસ્ટ ઈતિહાસનો બીજો સૌથી નાનો સ્કોર
ટેસ્ટ ઈતિહાસમાં માત્ર બીજી વખત એવું બન્યું છે જ્યારે કોઈ ટીમ 27 અથવા તેનાથી ઓછા રન બનાવી આઉટ થઈ હતી. 148 વર્ષના ઈતિહાસમાં ટેસ્ટ મેચનો સૌથી નાનો સ્કોર 26 રન છે જે ન્યુઝીલેન્ડના નામે છે. ન્યુઝીલેન્ડની ટીમ 1955માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઑક્લેન્ડમાં 26 રને ઢેર થઈ હતી. બીજી બાજુ વેસ્ટ ઈન્ડિઝના સાત બેટર ખાતું પણ ખોલાવી શક્યા ન્હોતા.