ઇન્ડિયા ગઠબંધનને કાશ્મીરમાંથી પણ ઝટકો..વાંચો કારણ
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીના ચીફ ફારૂક અબ્દુલ્લાએ ઇન્ડિયા ગઠબંધનમાં નહી જોડાવાનો નિર્ણય કર્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે.
ફારૂક અબ્દુલ્લાએ શ્રીનગરમાં સ્પષ્ટતા કરી હતી કે એમનું માનવું છે કે જમ્મુ અને કાશ્મીરમાં વિધાન સભા અને લોકસભાની ચૂંટણી એક સાથે જ યોજાશે. સીટ શેરિંગ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેમનો પક્ષ નેશનલ કોન્ફરન્સ એકલા હાથે ચૂંટણી લડશે. દેશ બનાવવા માટે જે કરવું પડે તે તેઓ કરશે. વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સાથે મુલાકાત અંગેના સવાલ પર તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ બોલાવે તો કોણ વાત કરવા નહીં માગે!
તેમણે જણાવ્યું હતું કે આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી તેઓ કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન કર્યા વિના એકલા હાથે લડશે. એનડીએમાં જોડાવા અંગેની શક્યતા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, અમે ભવિષ્યમાં એનડીએમાં જોડાવાની શક્યતા નકારી શકીએ નહીં. જોકે, તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે ઇન્ડિયા અલાયન્સમાં સીટ શેરિંગની વાતચીત નિષ્ફળ ગયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.