સેન્સેક્સ ૮૪,૫૦૦ને પાર : રોકાણકારોને બખ્ખા
શેરબજારમાં શાનદાર તેજી, સંપતિમાં ૬.૫૦ લાખ કરોડનો વધારો
સેન્સેક્સ ૮૪,૫૦૦ને પાર થઇ ગયો હતો. નિફ્ટી પણ રેકોર્ડ હાઈને સ્પર્શવામાં સફળ રહ્યો હતો. અમરીકી ફેડરલ રીઝર્વ દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલા ઘટાડાને પગલે પગલે વૈશ્વિક શેરબજાર ઉંચકાયા હતા અને ભારતીય શેરબજારમાં પણ તેજીનું વાવાઝોડું ફુંકાયુ હતું. આજના કારોબારમાં રોકાણકારોની સંપતિમાં ૬.૫૦ લાખ કરોડનો વધારો નોંધાયો હતો.
આજે સેન્સેક્સ 1359 અંકોના ઉછાળા સાથે 84,544 અને નિફ્ટી 375 અંકોના ઉછાળા સાથે 25,790ના ઓલટાઈમ હાઈ પર બંધ થયો છે.
શેર બજારમાં આવેલી આ શાનદાર તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં 7 લાખ કરોડ રૂપિયાની નજીકનો ઉછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ 471.97 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે જે અગાઉના સત્રમાં 465.47 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 6.50 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.
આજના કારોબારમાં તમામ સેક્ટરના શેર ઉછાળા સાથે બંધ થયા હતા. બેન્કિંગ, એફએમસીજી, ઓટો, આઈટી, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. આજના કારોબારમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેર્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.