આજે બે ‘ચોકર્સ’ વચ્ચે સેમિફાઈનલ : અણીના સમયે હારી જનારી આફ્રિકા-ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલની ટિકિટ કપાવવા ઉતરશે મેદાને
ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે બીજા સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ-દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થશે. આમ તો બન્ને ટીમ અત્યારે ફુલ ફોર્મમાં હોય જીત માટે બન્ને પ્રબળ દાવેદાર ગણાશે. જો કે બન્ને ટીમ આઈસીસી ટૂર્નામેન્ટમાં લગભગ એકસરખી સ્થિતિમાં છે. બન્ને ટીમ મોટી ટૂર્નામેન્ટમાં એ સ્તરની સફળતા હાંસલ કરી શકી નથી જેવા તેની પાસે ખેલાડી છે આવામાં લાહોરમાં રમાનારા આ મુકાબલામાં બન્ને ટીમ તરફે અપેક્ષા રહેશે.
કાગળ ઉપર બન્ને ટીમ સમાન દેખાઈ રહી છે. દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ ક્રમશ: ૧૯૯૮ અને ૨૦૦૦માં એક-એક વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકી છે પરંતુ એ સમયે ટૂર્નામેન્ટને આઈસીસી નોકઆઉટ ટ્રોફી કહેવામાં આવતી હતી અને ત્યારે તેનું એટલું મહત્ત્વ ન્હોતું જેટલું આજે છે. દક્ષિણ આફ્રિકા જ્યાં મોટી ટૂર્નામેન્ટમાં ચોકર્સ (મુખ્ય મેચમાં હારનો સામનો કરનારી ટીમ) પોતાના લેબલને હટાવવા માંગશે. જ્યારે ન્યુઝીલેન્ડ ટીમ પણ ટ્રોફી ઉપર કબજો કરવા માટે આતૂર રહેશે. ન્યુઝીલેન્ડ વન-ડે વર્લ્ડકપ (૨૦૧૫ અને ૨૦૧૯)માં બે વખત અને ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૧ના ફાઈનલમાં પહોંચ્યા બાદ ટ્રોફી ચૂકી ગયું હતું.
બોલિંગની વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડ કરતાં આફ્રિકા મજબૂત જણાઈ રહ્યું છે. બેટિંગમાં બન્ને ટીમ પાસે બળુકા બેટર છે તો સ્પીનરો પણ એવા છે જે ગમે ત્યારે મેચનું પાસું પલટી નાખવા માટે સક્ષમ છે. ગદ્દાફી સ્ટેડિયમની પીચ થોડી ધીમી છેપરંતુ દુબઈની તુલનાએ એટલી સ્પીન ધરાવતી નથી.