ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા પછી રોહન ગુપ્તાએ શું કર્યું જુઓ
પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં પક્ષ છોડવા પાછળ સિનિયર નેતાને જવાબદાર ગણાવ્યા
અમદાવાદ
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેનું નામ જાહેર કરવામાં આવ્યું હતું તે રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ હવે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપીને પક્ષની મુશ્કેલીમાં વધારો કર્યો છે. તેમણે પક્ષના એક વરિષ્ઠ નેતાને કારણે રાજીનામું આપી રહ્યાં હોવાના ઉલ્લેખ સાથે એક પત્ર પક્ષના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેને લખ્યો છે.
આ પત્રમાં રોહન ગુપ્તાએ જણાવ્યું છેકે, મને તમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે છેલ્લા બે વર્ષથી પક્ષના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા વરિષ્ઠ નેતાઓમાંના એક નેતા દ્વારા સતત અપમાન અને ચરિત્ર હનન ( જેનાથી પક્ષના ઘણા વરિષ્ઠ નેતાઓ વાકેફ છે ) અને હવે વ્યક્તિગત સમસ્યાના સમયે તેમણે મને આ નિર્ણય લેવા માટે મજબૂર કર્યો છે. મેં છેલ્લા 13 વર્ષથી રાષ્ટ્રીય સ્તરે વિવિધ ભૂમિકાઓ પર પક્ષની સેવા કરી છે અને રાષ્ટ્રીય નેતૃત્વના સમર્થન સાથે ખૂબ જ પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે તમામ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે.
પત્રમાં તેમણે વધુમાં જણાવ્યું છેકે, મારે મારી ઉમેદવારી પાછી ખેંચવાનો અને મારા પિતા માટે મારી મહત્વાકાંક્ષાને બાજુ પર રાખવાનો મારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે. જ્યારે હું મારા પિતાની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છું અને જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું , ત્યારે તે જ નેતાએ ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે તેમના નજીકના સહયોગીઓના સમર્થન સાથે છેલ્લા ત્રણ દિવસ સુધી મારી વિરુદ્ધ તેમનું બદનક્ષીભર્યું અભિયાન ચાલુ રાખ્યું છે.]
રોહન ગુપ્તાએ વધુમાં લખ્યું છે કે, તેમના વર્તનથી ગંભીર માનસિક પીડા અને તણાવ ઉભો થયો છે અને મારા આત્મસન્માનની રક્ષા માટે મને તૂટેલા હૃદયથી પક્ષમાંથી રાજીનામું આપવા માટે મજબૂર કર્યો છે. હું રાષ્ટ્રીય નેતૃત્વ અને પક્ષના કાર્યકર્તાઓનો આજદિન સુધી તેમના સમર્થન બદલ આભાર માનું છું અને પક્ષને એવા નેતાઓને નિયંત્રિત કરવા વિનંતી કરું છું જેમણે પક્ષને નુકસાન પહોંચાડ્યું છે અને પ્રતિબદ્ધ કાર્યકરો અને નેતાઓને પક્ષ છોડવા માટે મજબૂર કર્યા છે.