NEET PG એપ્લિકેશનની ફીમાં જુઓ કેટલો ઘટાડો કર્યો
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ – પોસ્ટ ગ્રેજ્યુએટ (NEET-PG)ના તમામ ઉમેદવારોની પરીક્ષા ફીમાં 750 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું હતું કે મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBEMS) એ NEET PG પરીક્ષામાં હાજર રહેલા લાખો ઉમેદવારોને લાભ આપવા માટે પરીક્ષા ફી ઘટાડવાનો નિર્ણય લીધો છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આગામી પરીક્ષા માટે 1 જાન્યુઆરી, 2024 પછી અરજી ફોર્મ સબમિટ કરનારા તમામ ઉમેદવારોએ ઓછી ફી ચૂકવવી પડશે.
અધિકારીએ કહ્યું કે નવી અરજી ફી 2013માં લેવામાં આવેલી ફી કરતા ઓછી હશે. અધિકારીના જણાવ્યા અનુસાર, 2013માં જનરલ અને OBC કેટેગરીની અરજી ફી રૂ. 3,750 હતી, જે 2021માં વધારીને રૂ. 4,250 (વર્તમાન ફી) કરવામાં આવી હતી. જોકે, આ ફી 1 જાન્યુઆરી, 2024થી ઘટાડીને રૂ. 3,500 કરવામાં આવી છે.
હવે તે 10 વર્ષ પહેલાની ફી કરતા પણ ઓછી કરવામાં આવી છે. ગયા વર્ષે, NEET PG પરીક્ષા માટે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, આ વર્ષે NEET PGની પરીક્ષા 7મી જુલાઈએ યોજાવાની છે.