અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે સુરક્ષા કરાયો વધારો, જુઓ કેવો છે માહોલ
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે લશ્કરી છાવણીમાં ફેરવાતું અયોધ્યા
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે એનડીઆરએફની ટીમના જવાનોની સાથે હેઝમેટ વાહનોને તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ અને પરમાણુ હુમલાઓ તેમજ ધરતીકંપ અને ડૂબવાની ઘટનાઓ જેવી આપત્તિઓનો સામનો કરવા માટે પ્રશિક્ષિત અનેક એનડીઆરએફની ટીમો, રામાભિષેક સમારોહ પહેલા અયોધ્યામાં તહેનાત કરવામાં આવી છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના ડાયરેક્ટર જનરલ અતુલ કરવલે જણાવ્યું હતું કે આ ટીમોએ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે મંદિરના નગરમાં સતત પરિચિતતાની કવાયત અને સિમ્યુલેશન કવાયત હાથ ધરી રહી છે.
૨૨ જાન્યુઆરીના પ્રસંગ પછી પણ જ્યાં સુધી શહેરમાં વિવિધ ધાર્મિક પ્રવૃત્તિ અને યાત્રાળુઓનો ધસારો ચાલુ રહેશે ત્યાં સુધી ટીમો અયોધ્યામાં તહેનાત રહેશે. ઉપરાંત, ડૂબવાની કોઈપણ ઘટનાને પહોંચી વળવા માટે ફોર્સની ડાઇવિંગ ટીમોને સરયુ નદી અને શહેરના અન્ય જળાશયો પર તૈનાત કરવામાં આવી છે. આ સિવાય બચાવ ટુકડીઓ તેમના સાધનો અને ડોગ સ્ક્વોડ સાથે અયોધ્યામાં છે.