રાજકોટમાં સ્કૂલ વેનના ચાલકે જ 14 વર્ષીય વિદ્યાર્થિનીનો દેહ અભડાવ્યો: બાળકીએ માતાને હકીકત જણાવતાં જ ભાંડો ફૂટ્યો
રાજકોટના માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં એક અત્યંત ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો હતો જ્યાં સ્કૂલ વેનના ચાલકે જ 14 વર્ષીય વિદ્યાર્થિનીનો દેહ અભડાવ્યો હોવાની ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ બનાવ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ધો.9માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થિની કે જેને એક વર્ષથી સ્કૂલે લેવા-મુકવા માટે સ્કૂલ વેનનો સંચાલક રમેશ કાનાભાઈ ખરા (રહે. પાળ ગામ પાસે) જઈ રહ્યો હોય તેણે બાળકીની એકલતાનો લાભ લઈ બે દિવસ પહેલાં ન કરવાનું કૃત્ય કર્યું હતું. સ્કૂલ વેનમાં અવર-જવર કરતાં તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ઘેર મુકી આવ્યા બાદ છેલ્લે ભોગ બનનાર 14 વર્ષીય વિદ્યાર્થિની જ વાનમાં બેઠેલી હતી. આ તકનો લાભ લઈ રમેશે પોત પ્રકાશ્યું હતું અને સ્કૂલ વેનની અંદર જ બાળકીનો દેહ અભડાવ્યો હતો.
આ પણ વાંચો :રાજકોટ એરપોર્ટ પર N.R.I. પેસેન્જરની 5 કરોડની રિસ્ટ વોચ ખોવાઈ ગઈ! મુંબઈની ફલાઈટમાં જઈ રહેલા પેસેન્જરની ઘડિયાળ અચાનક થઈ ગાયબ
પોતાની સાથે હેવાનિયત આચરવામાં આવી હોવાની વિગત બાળકીએ તેની માતાને વર્ણવતાં માતાના પગ નીચેથી પણ ધરતી સરકી ગઈ હતી. આ પછી માતાએ ક્ષણભરનો વિલંબ કર્યા વગર માલવિયાનગર પોલીસ મથકમાં રમેશ ખરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી રમેશની શોધખોળ આદરી હતી.
આ અંગે માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર.દેસાઈએ જણાવ્યું હતું કે રમેશ ખરા પરિણીત છે અને તેને સંતાનમાં એક પુત્ર પણ છે. જો કે રમેશને તેની પત્ની સાથે છેલ્લા એક વર્ષથી માથાકૂટ ચાલતી હોય તે એકલવાયુ જીવન જીવતો હતો. રમેશ એક વર્ષથી પીડિત બાળકીને સ્કૂલે-લેવા મુકવા જવાનું કામ કરતો હોય બન્ને વચ્ચે વિશ્વાસ કેળવાઈ ગયો હતો જેનો ફાયદો ઉઠાવી તેણે આ ગંભીર ગુનાને અંજામ આપ્યો હતો.
