દસ લાખમાં NEET પાસ કરાવી દેવાનું કૌભાંડ !
ગોધરાના બે NEET સેન્ટરમાં ગોલમાલ થાય તે પહેલા જ કલેકટરની બાતમીને આધારે કૌભાંડી શિક્ષક 7 લાખની રોકડ સાથે દબોચી લેવાયો
ગત તા.5મી મે ના રોજ યોજાયેલ મેડિકલ પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે, NEETની પરીક્ષા દસ લાખમાં પાસ કરાવી દેવાનું જબરદસ્ત કૌભાંડ પંચમહાલ જિલ્લા કલેકટરની સતર્કતાથી પકડાયું છે, ચોંકાવનારા આ કૌભાંડમાં પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી ફરિયાદી બન્યા છે અને કુલ 26 વિદ્યાર્થીઓને પાસ કરાવી દેવા માટે સોદો કરનાર શિક્ષકને દબોચી લઈ પરીક્ષા પાસ કરાવવા માટે 10-10 લાખમાં સોદો કરનાર વડોદરાના શિક્ષક અને વડોદરાના વચેટિયા તેમજ ગોધરાનો એક વચેટીયો મળી ત્રણ સામે ગુન્હો નોંધી 7 લાખની રોકડ અને સ્વીફ્ટ ડિઝાયર ગાડી સહિતનો મુદામાલ કબ્જે કરી ગોધરા તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
પેપરફોડ કૌભાંડને પણ ટક્કર મારે તેવા આ ચોંકાવનારા કિસ્સાની વિગત જોઈએ તો પંચમહાલ જિલ્લા કલેક્ટરને બાતમી મળી હતી કે, તા.5ના રોજ યોજાયેલ નીટ (NEET) એક્ઝામ પાસ કરાવવા માટે ચોક્કસ તત્વો સક્રિય બન્યા છે અને વિદ્યાર્થી દીઠ રૂપિયા 10-10 લાખ લઈ વિદ્યાર્થીઓને આવડે તેટલા પ્રશ્ન લખવાના અને બાકીના જવાબ ઓએમઆર સીટમાં કોરા રાખવાના તેમજ નીટમા NEET મેરીટ આવે તેની ગેરંટી સાથે પાસ કરાવવાની જવાબદારી લઈ આરોપી એવા વડોદરાના શિક્ષક તુષાર રજનીકાંત ભટ્ટ આ કૌભાંડ આચરી રહ્યા હોય જિલ્લા કલેકટર દ્વારા પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી કિરીટકુમાર મણિલાલને તપાસ સોંપતા જિલ્લા શિક્ષણાધિકારી પટેલે વડોદરાના શિક્ષક તુષાર રજનીકાંત ભટ્ટને જ્યાં NEET સેન્ટરની જવાબદારી સોંપાઈ હતી તેવા ગોધરાના થર્મલ અને જય જલારામ શાળામાં પરીક્ષા સમયે જ પહોંચી પોલીસને સાથે રાખી તપાસ શરૂ કરતા જ નીટની પરીક્ષા પાસ કરવાવાનું જબરું કૌભાંડ બહાર આવ્યું હતું.
નીટ પરીક્ષા પાસ કરવાવના કૌભાંડ મામલે હાલમાં ગોધરા તાલુકા પોલીસ મથકમાં આરોપી તુષાર રજનીકાંત ભટ્ટ રહે. રોયલ વીન, સાવલી રોડ,વડોદરા, નીટની પરીક્ષા પાસ કરવા માટે 15 વિદ્યાર્થીઓ શોધી લાવનાર વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને 5 વિદ્યાર્થીઓને પાસ કરવવાની વચેટિયાની કામગીરી કરનાર ગોધરાના આરીફ વોરા નામના શખ્સ વિરુદ્ધ પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી કિરીટકુમાર મણિલાલ પટેલે ફરિયાદ નોંધાવી છે, સાથે જ નીટ પરીક્ષા પાસ કરાવવા બાદ 10-10 લાખ રૂપિયાના સોદા કરવામાં સંડોવાયેલ હોય અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી પોલીસે આરોપી એવા શિક્ષક અને નીટ કેન્દ્રના સંચાલક તુષાર ભટ્ટ પાસેથી ગોધરાના આરીફ વોરાએ આપેલ રોકડા રૂપિયા 7 લાખ તેમજ ગુન્હાના કામે ઉપયોગમાં લેવાયેલ સ્વીફ્ટ કાર કબ્જે કરી છે.
ઉલ્લેખનીય છે કે, નીટની પરીક્ષા પાસ કરાવવાના આ મહાકૌભાંડમાં આરોપી તુષાર ભટ્ટે જિલ્લા શિક્ષણાધિકારી અને પોલીસ દ્વારા નીટની પરીક્ષા શરૂ થાય તે પૂર્વે જ કબૂલાત આપી હતી કે, પોતે અલગ અલગ 20 વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે 10-10 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો, આ મામલે પોલીસ ટીમે આરોપી તુષારના મોબાઈલ ફોનમાંથી તમામ 20 વિદ્યાર્થીઓના નામ નંબર અને એડમિટ કાર્ડ સહીતની વિગતો પુરાવા રૂપે કબ્જે કરી રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરાને દબોચી લેવા તજવીજ શરૂ કરી છે.
આરોપી આરીફ વોરા ભાજપ લઘુમતી મોરચાનો અગ્રણી
ગોધરાની જય જલારામ અને થર્મલ શાળામાં યોજાયેલ નીટ પરીક્ષામાં વિદ્યાર્થી દીઠ દસ-દસ લાખ રૂપિયામાં પાસ કરાવી દેવાનું જબરું કૌભાંડ ઝડપાયું છે ત્યારે આ કૌભાંડમાં 6 વિદ્યાર્થીઓના નામ તેમજ રૂપિયા 7 લાખની રોકડ આપનાર આરોપી આરીફ વોરા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આરોપી આરીફ વોરા ગોધરા ભાજપ લઘુમતી મોરચાનો આગેવાન હોવાનું સામે આવ્યું છે.
કોઈને પણ છોડવામાં નહીં આવે : કલેકટર આશિષકુમાર
ગોધરા ખાતે મેડિકલ પ્રવેશ માટેની નીટની પરીક્ષામાં દસ-દસ લાખ રૂપિયા ઉઘરાવી વિદ્યાર્થીઓને પાસ કરવાના જબરદસ્ત કૌભાંડનો પર્દાફાશ કરનાર પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમારે વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે, સમગ્ર મામલે કોઈપણ ને છોડવામાં નહીં આવે તેવું તેમને સ્પષ્ટપણે જણાવ્યું હતું.