લો બોલો! નોકરીએ લાગ્યાના 12મા દિવસે જ કર્મચારીએ ચોરી લીધાં રુ.7.16 લાખના 9 લેપટોપ, રાજકોટ પોલીસે કરી ધરપકડ
ભક્તિનગર સ્ટેશન રોડ ઉપર રવિન ચેમ્બરમાં આવેલી કાઈઝન સિસ્ટમ સોલ્યુશન નામની લેપટોપની દુકાનમાં 11 દિવસ નોકરી કર્યા બાદ 12મા દિવસે કર્મચારીએ જ 7.16 લાખની કિંમતના નવ લેપટોપની ચોરી કરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે ઝોન-2 એલસીબીની ટીમ દ્વારા આરોપીની નવ લેપટોપ સાથે ધરપકડ કરી હતી.

આ અંગે દુકાનમાલિક વૈભવ હિમાંશુભાઈ ભટ્ટે ફરિયાદ નોંધાવી હતી કે દુકાનની પાછળના ભાગે આવેલા સ્ટોરરૂમમાંથી નવ લેપટોપની ચોરી થઈ હતી. ત્યારબાદ સીસીટીવી કેમેરા જોતા 11 સપ્ટેમ્બરે જ દુકાનમાં નોકરી પર રહેલો સ્મિત જગદીશભાઈ વ્યાસ દરરોજ સવારે 10 વાગ્યાથી સાંજના છ વાગ્યાસુધી નોકરી કરતોઅને એ દરમિયાન તેણે લેપટોપની ચોરી કરી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. સ્મિત રોજ સવારે ખાલી બેગ લઈને આવતો અને સાંજે બેગમાં લેપટોપ મુકીને નીકળી જતો હતો.
આ ફરિયાદના આધારે એલસીબી ઝોન-2 પીએસઆઈ આર.એચ.ઝાલા સહિતની ટીમે શાસ્ત્રી મેદાન પાસેથી સ્મિત દર્શિતભાઈ વ્યાસ (ઉ.વ.26, રહે.સાયોનારા સોસાયટી, મોતીબાગ-જૂનાગઢ)ને દબોચી લીધો હતો. સ્મિતની પૂછપરછ કરાતા તેણે કબૂલાત આપી હતી કે તે શેરબજારમાં મોટી રકમ હારી ગયો હોવા ઉપરાંત પત્ની પણ બીમાર હોય તેની સારવાર માટે આ ચોરીને અંજામ આપ્યો હતો. લેપટોપ ચોર્યા બાદ તેણે તેનું વેચાણ લોધાવડ ચોકમાં આવેલી બ્લુમેક્સ નામની દુકાનમાં જયેશ ચાવડા નામની વ્યક્તિને 2.40 લાખમાં કર્યું હોવાનું કહેતા પોલીસે જયેશ ચાવડા પાસેથી તમામ લેપટોપ કબજે કર્યા હતા. જયેશની પૂછપરછ કરાતા તેણે કહ્યું હતું કે સ્મિતે તમામ લેપટોપ બિલવાળા હોવાનું અને વેચ્યાના બીજા દિવસે બિલ આપી જશે તેવું કહ્યાનું જણાવ્યું હતું. 2.40 લાખ લેપટોપ વેચાણ પેટે જે આવ્યા તેનું દેણું સ્મિતે ભરપાઈ કર્યું હતું.
