રાજકોટમાં 239 કરોડના ખર્ચે બનશે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ : આગામી બજેટમાં રાજકોટ માટે થશે મહત્વની જાહેરાત
- આગામી બજેટમાં રાજકોટ માટે થશે મહત્વની જાહેરાત : 1200 બેડની હોસ્પિટલમાં તમામ સુવિધાઓ એક જ છત્ર નીચે : સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની સેવા
રાજકોટ : રાજકોટને એઇમ્સની સુવિધા મળ્યા બાદ હજુ પણ વધુ સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રની સૌથી મોટી કહી શકાય તેવી સુપર મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ નિર્માણ કરવા નક્કી કરાયું છે, સિવિલ કેમ્પસ ખાતે 239 કરોડના ખર્ચે 1200 બેડની સુવિધા વાળી હોસ્પિટલ માટેની દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે અને રાજ્ય સરકારના આગામી બજેટમાં આ હોસ્પિટલની વિધિવત જાહેરાત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલની ટૂંક સમયમાં જ કાયાપલટ થશે, ગુજરાત સરકાર દ્વારા રાજકોટની પંડિત દીનદયાળ હોસ્પિટલમાં જુના વોર્ડ અને હાલમાં જ્યાં સેવાભાવી સંસ્થાઓના દબાણ ઉભા છે તે હયાત જગ્યામાં રૂપિયા 239 કરોડના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ કરવા ગતિવિધિ તેજ કરી છે, વધુમાં એઇમ્સ હોસ્પિટલની જેમ અહીં પણ સારવાર માટે આવતા દર્દીઓને એક જ છત્ર હેઠળ લેબોરેટરી, એક્સરે સહિતની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
વધુમાં રાજકોટ સિવિલ કેમ્પસમાં નિર્માણ થનાર આ હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટી હશે તેમ જણાવતા સૂત્રોએ ઉમેર્યું હતું કે, હોસ્પિટલ નિર્માણ માટે રૂપિયા 239 કરોડની પ્રાથમિક જોગવાઈ કરવામાં આવી છે અને આગામી વર્ષ 2025-26ના બજેટમાં સરકાર દ્વારા રાજકોટને આરોગ્ય સેવાની બેનમૂન ભેટ રૂપે નવી હોસ્પિટલની જાહેરાત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં તમામ તબીબી શાખાની સુપર સ્પેશિયલ સેવાઓ ઉપલબ્ધ બનશે.હાલમાં રાજકોટ સિવિલ સતાવાળાઓએ વિધિવત દરખાસ્ત પણ મોકલી આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.