રાજકોટમાં સફાઇ કામદારોને 1 વર્ષ બાદ મળશે અદ્યતન કોમ્યુનિટી હોલ: મ્યુ.કમિશનરે 8.69 કરોડના ખર્ચે બની રહેલા હોલનું કર્યું નિરીક્ષણ
રાજકોટને સ્વચ્છ રાખવાની જવાબદારી જેમના શિરે છે તે સફાઈ કામદારોને એક વર્ષ બાદ અદ્યતન કોમ્યુનિટી હોલ મળશે જેમાં તેઓ પોતાના પ્રસંગોનું સુચારું રીતે આયોજન કરી શકશે. જામનગર રોડ પર 8.69 કરોડના ખર્ચે બની રહેલા આ કોમ્યુનિટી હોલનું મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
આ હોલનું કામ 7 જાન્યુઆરી-2026થી શરૂ કરવામાં આવ્યું હતું. સવા 2 મહિના બાદ કામ ઝડપથી આગળ વધી રહ્યાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આવનારા 1 થી સવા 1 વર્ષની અંદર આ હોલ બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ સફાઈ કામદારોને વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે સુવિધાયુક્ત સ્થળ ઉપલબ્ધ બનશે.
કામગીરીની સમીક્ષા દરમિયાન મ્યુ. કમિશનર દ્વારા જવાબદાર અધિકારીઓ તેમજ એજન્સીને કામની ગુણવત્તા જળવાઈ રહે અને નક્કી કરાયેલી સમયમર્યાદામાં જ કામ પૂર્ણ થાય તેનું ખાસ ધ્યાન રાખવા આદેશ આપવામાં આવ્યો હતો. આ હોલ 3458.94 ચોરસમીટર વિસ્તારમાં તૈયાર થઈ રહ્યું છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર + 2 માળમાં લિફ્ટ, ટોઈલેટ બ્લોક, મેરેજ ફંક્શન હોલ, વર-વધૂ રૂમ, ડાઈનિંગ હોલ, સુવિધાસભર કિચન સહિતની સુવિધાઓ મળશે.
