સલમાન રશ્દીની ‘ધ સેટેનિક વર્સીસ’ : પાંત્રીસ વર્ષ જુના પુસ્તકને લઈને ફરીથી ભારતમાં વિવાદ !? વાંચો વિશેષ અહેવાલ
સલમાન રશ્દીની વિવાદાસ્પદ નવલકથા ધ સેટેનિક વર્સીસ ભારતમાં ફરી ચર્ચામાં છે. 36 વર્ષ પહેલા પ્રતિબંધિત કર્યા પછી આ પુસ્તક હવે પસંદગીના પુસ્તકોની દુકાનો પર ખરીદી માટે ઉપલબ્ધ છે. જ્યારે કેટલાક વાચકો આને અભિવ્યક્તિની સ્વતંત્રતાના એક સીમાચિહ્ન તરીકે જુએ છે, ત્યારે ફરીથી અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ધાર્મિક સંવેદનશીલતા પરની ચર્ચા શરુ થઇ ગઈ છે અને ઘણા મુસ્લિમ સંગઠનોની ટીકા પણ થઇ.
દિલ્હીના પ્રતિષ્ઠિત બહરિસન્સ બુકસેલર્સે ધ સેટેનિક વર્સિસનું વેચાણ શરૂ કર્યું છે. તેનો સ્ટોકન ‘મર્યાદિત’ છે એવું કહે છે. પુણેમાં, ફર્ગ્યુસન કોલેજ રોડ પર બુક વર્લ્ડે 30 ડિસેમ્બરથી આયાતી નકલોનો સ્ટોક કરવાની યોજના જાહેર કરી છે.
બુક વર્લ્ડના માલિક નરેન્દ્ર ચંદને મીડિયાને જણાવ્યું હતું કે, “આ આયાતી આવૃત્તિઓ હશે અને અમારી પાસે 10-12 પુસ્તકોનો પ્રારંભિક સ્ટોક રહેશે.” જો કે, પુણેમાં ક્રોસવર્ડ જેવા કેટલાક બુકસ્ટોર્સે જ્યાં સુધી પુસ્તક ભારતમાં સત્તાવાર રીતે પ્રકાશિત ન થાય ત્યાં સુધી તેનું વેચાણ ન કરવાનો નિર્ણય લીધો છે. કેટલાક મુસ્લિમ સંગઠનોએ સરકારને પુસ્તક પર ફરીથી પ્રતિબંધ મૂકવાની વિનંતી કરતાં આ ઘટનાક્રમે નવો વિવાદ ઉભો કર્યો છે.

શા માટે વિવાદ ?
જ્યારે 1988માં પ્રથમ વખત ધ સેટેનિક વર્સીસ પ્રકાશિત કરવામાં આવી હતી, ત્યારે તે મુસ્લિમોમાં વૈશ્વિક આક્રોશનું કારણ બન્યું હતું કારણ કે આ પુસ્તક ઇસ્લામિક માન્યતાઓની મજાક ઉડાવે છે એવા કારણો આપવામાં આવ્યા હતા. ભારતમાં મૌલવીઓના વિરોધને પગલે, તત્કાલીન રાજીવ ગાંધી સરકારે આ પુસ્તકની આયાત પર ઝડપથી પ્રતિબંધ મૂક્યો હતો.
આજની તારીખે, જમીયત ઉલેમા-એ-હિંદ જેવા સંગઠનોએ બુક સ્ટોર્સમાં તેના વેચાણની ટીકા કરી છે. કાનૂની સલાહકાર મૌલાના કાબ રશીદીએ કહ્યું, “અભિવ્યક્તિની સ્વતંત્રતાએ ભાવનાઓને ઠેસ ન પહોંચાડવી જોઈએ. આ પુસ્તકના વેચાણની મંજુરીથી ભારતીય બંધારણની ભાવના નબળી પડે છે.’’ ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના મૌલાના યાસુબ અબ્બાસ જેવા અન્ય નેતાઓએ પણ આવી જ લાગણી વ્યક્ત કરી, પુસ્તકને “ઈસ્લામનું અપમાન” ગણાવ્યું અને સરકારને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી. વિરોધની ધમકી આપવામાં આવી રહી છે, જેમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવીએ ચેતવણી આપી છે કે “કોઈપણ મુસ્લિમ આ પુસ્તકને બુક-શેલ્ફ પર જોઇને સહન કરી શકશે નહીં.”
પ્રતિબંધો અને તેના પરિણામો
જ્યારે 1988માં ભારતમાં પુસ્તક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે તે ધાર્મિક ચિંતાઓને કારણે સેન્સરશિપના પ્રથમ મોટા ઉદાહરણોમાંનું એક બની ગયું હતું. ખુદ સલમાન રશ્દીએ વડાપ્રધાન રાજીવ ગાંધીને લખેલા પત્રમાં આ પ્રતિબંધની ટીકા કરી હતી અને તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો હતો. 1989 માં જ્યારે ઈરાનના આયાતુલ્લા ખોમેનીએ રશ્દીની હત્યા માટે આહવાન કરતો ફતવો બહાર પાડ્યો ત્યારે વૈશ્વિક સ્તરે વિવાદ વધ્યો. લેખક લગભગ એક દાયકા સુધી છુપાયેલા રહ્યા. 2022 માં, ન્યુયોર્કમાં સ્ટેજ પર રશ્દી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે તેમની એક આંખની દ્રષ્ટિ જતી રહી.
ભારતમાં ધ સેટેનિક વર્સીસનું નવેસરથી વેચાણ એક ગંભીર કાનૂની પ્રશ્ન ઊભો કરે છે: શું તેની આયાત પરનો પ્રતિબંધ હજુ પણ માન્ય છે?
2017 માં, પશ્ચિમ બંગાળના રહેવાસી સંદીપન ખાને આરટીઆઈ અરજી દાખલ કરીને પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની સત્તાવાર સૂચનાનો પુરાવો માંગ્યો હતો. સરકારી એજન્સીઓ દસ્તાવેજો સબમિટ કરવામાં નિષ્ફળ ગયા પછી, દિલ્હી હાઈકોર્ટે 2022 માં ચુકાદો આપ્યો હતો કે આવી કોઈ સૂચના અસ્તિત્વમાં નથી. આ કાનૂની અસ્પષ્ટતાએ પુસ્તક વિક્રેતાઓ માટે નવલકથાઓની આયાત અને વેચાણ માટેના દરવાજા ખોલ્યા છે.
ધ સેટેનિક વર્સીસનું પુનઃ વેચાણ મુક્તવાણી અને ધાર્મિક સંવેદનશીલતા વચ્ચે ચાલી રહેલા તણાવને દર્શાવે છે. સમર્થકો દલીલ કરે છે કે પુસ્તકો પર પ્રતિબંધ મૂકવો એ યોગ્ય પગલું છે, જ્યારે વિવેચકો કહે છે કે આવા પ્રતિબંધ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અને લોકશાહીના વિશ્વાસનો અનાદર કરે છે અને સામાજિક સંવાદિતાને ખલેલ પહોંચાડે છે. પુસ્તકનું નવેસરથી વેચાણ મુખ્ય પ્રશ્નો ઉભા કરે છે: સમાજ ધાર્મિક માન્યતાઓના આદર સાથે અભિવ્યક્તિની સ્વતંત્રતા કેવી રીતે સંતુલન સાધી શકે? અને આ સંવેદનશીલ બાબતોમાં કોઈ અશાંતિ સર્જાય નહિ તે માટે સરકારે શું ભૂમિકા ભજવવી જોઈએ?
