સાંઈ બાબા : અભિનેતા સુધીર દલવીની હાલત નાજુક, શિરડી ટ્રસ્ટ ઈલાજ માટે આપશે રૂ.11 લાખ, કોર્ટની મંજૂરી મળી
શિરડી સાઈ બાબા ફિલ્મમાં સાંઈ બાબાની ભૂમિકા ભજવનાર પીઢ અભિનેતા સુધીર દલવી સેપ્સિસ નામની ગંભીર બીમારી સામે લડી રહ્યા છે. તેના પરિવારે તેની સારવાર માટે આર્થિક મદદની અપીલ કરી છે. શિરડી સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટે મદદનો હાથ લંબાવ્યો છે.
અહેવાલો અનુસાર ટ્રસ્ટે બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં દલવીની સારવારના મોટા ખર્ચને ધ્યાનમાં રાખીને તેમને 11 લાખની નાણાકીય સહાય પૂરી પાડવાની પરવાનગી માંગવામાં આવી હતી. ટ્રસ્ટને હવે કોર્ટની મંજૂરી મળી ગઈ છે. ટ્રસ્ટના હાલના નિયમો અનુસાર ચોક્કસ રકમથી વધુ સહાય પૂરી પાડવા માટે હાઈકોર્ટની પરવાનગી જરૂરી છે.
અરજીમાં જણાવાયું હતું કે દલવીની હાલત નાજુક છે અને તેમની ખર્ચાળ સારવાર ચાલુ રાખવા માટે આ નાણાકીય સહાય જરૂરી છે. આ મામલાની સમીક્ષા કર્યા પછી કોર્ટે ટ્રસ્ટની વિનંતી સ્વીકારી હતી. કોર્ટે માન્યતા આપી કે જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવી એ ટ્રસ્ટના ઉદ્દેશ્યોનો એક ભાગ છે અને શિરડી સાઈ બાબાની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક છબીને લોકપ્રિય બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર દલવી જેવા વરિષ્ઠ કલાકારને સહાય પૂરી પાડવાનું યોગ્ય માન્યું હતું.
આ પણ વાંચો :Team India Toss win: 20 મેચ પછી, ભારતે ODIમાં ટોસ જીત્યો, વિશાખાપટ્ટનમમાં હારનો સિલસિલો તોડ્યો, જુઓ વિડીયો
શિરડીના સાંઈ બાબા સિરીયલમાં સુધીર દલવીના શાંત, સરળ અને અસરકારક અભિનયે દર્શકોના દિલમાં ઉંડુ સ્થાન જમાવ્યું હતું. આ ભૂમિકા તેમની કારકિર્દીનો સૌથી સફળ અભિનય જ નહીં, પણ ઘણા દર્શકો માટે વાસ્તવિક સાઈ બાબાની છબી સાથે પણ સંકળાયેલી બની હતી. ફિલ્મો, ટેલિવિઝન અને થિયેટરમાં સક્રિય રહેવા છતાં, આ ભૂમિકા તેમનું સૌથી યાદગાર યોગદાન માનવામાં આવે છે.
