મમતા બેનરજીના વિરોધમાં કાલે સાધુ સંતો રેલી કાઢશે
ચૂંટણીના છેલ્લા બે ચરણ બાકી છે ત્યાં મમતા ઘેરાયા
રામકૃષ્ણ મિશન સહિતના સંગઠનો ભાજપ માટે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો
પશ્ચિમ બંગાળમાં રામકૃષ્ણ મિશન અને ભારત સેવાશ્રમ સંઘના કેટલાક સાધુઓ ભાજપને મત આપવાની અપીલ કરતા હોવાના મમતા બેનર્જીએ કરેલા આક્ષેપના ઘેરા પડઘા પડ્યા છે. તેમના આક્ષેપના વિરોધમાં આવતીકાલ શુક્રવારે ઉતર કોલકત્તામાં સાધુ સંતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
મમતા બેનર્જીએ આ બે સંગઠનો પર આક્ષેપ કર્યા બાદ રાજકારણ ગરમાયું હતું. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જીની આકરી ટીકા કરી હતી. વોટ બેન્ક પોલિટિક્સને ધ્યાનમાં રાખી મમતા હિન્દુ ધાર્મિક સંસ્થાઓને ધાક ધમકી આપતા હોવાનો વડાપ્રધાને આક્ષેપ કર્યો હતો.
અધુરામાં પૂરું મમતા બેનર્જીએ આક્ષેપ કર્યા બાદ જલપાઈગુરી ખાતે રામકૃષ્ણ આશ્રમ પર કેટલાક બંદૂકધારીઓ ત્રાટક્યા હતા અને આશ્રમમાં તોડફોડ કરી હતી. જોકે એ હુમલો જમીન વિવાદમાં થયો હોવાની રામકૃષ્ણ આશ્રમના સંચાલકોએ સ્પષ્ટતા કરી હતી.
તે પછી પણ આ મુદ્દે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર ચાલુ રહ્યો હતો. મમતા બેનર્જીએ પોતે કોઈ સંગઠનો માટે નહીં પણ એ સંગઠનોની કેટલીક વ્યક્તિઓ ઉપર ભાજપ માટે કામ કરવાનો આક્ષેપ કર્યો હોવાનો ખુલાસો કર્યો હતો. સામા પક્ષે રામકૃષ્ણ મિશને મમતા બેનર્જીના આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને એ પંથના સાધુઓ રાજકારણથી દૂર રહેતા હોવાનું અને ત્યાં સુધી કે મતદાન પણ ન કરતા હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ આ મામલો તુલ પકડવા લાગ્યો હતો. એ સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ અને બાંગીયા સન્યાસી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા બે ચરણના મતદાન પૂર્વે જ સંત સમાજ વિરોધમાં પડતા મમતા બેનર્જી અને ટીએમસી રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયા છે.